ગુજરાતમા ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયાં છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાની પંચાયતોના પરિણામો જાહેર થતાં વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.ઉમેદવારોના સમર્થકોએ ગુલાલ ઉછાળીને ઉજવણી કરી હતી. આ દરમિયાન થલોટા ગામના સરપંચ તરીકે પ્રહલાદભાઈ ગામી વિજેતા થતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
થલોટા ગામના સરપંચ તરીકે પ્રહલાદભાઈ વિજેતા જાહેર
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં થલોટા ગામના સરપંચ તરીકે પ્રહલાદભાઈ પ્રભુદાસ પટેલ (ગામી) વિજેતા જાહેર થયા છે.રસાકસી ભરી ચૂંટણીમાં 110 વોટથી જીત મેળવી છે.પ્રહલાદ ભાઈ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં પોતાનું યોગદાન પ્રદાન કરી રહ્યા છે.ગામની અનેકવિધ સંસ્થાઓમાં દાન આપવામાં પણ સદાય અગ્રેસર રહે છે.
સમર્થકોએ તેમને અભિનંદન પાઠવ્યા
વિજયી ઘોષણા થતાં જ તેમના સમર્થકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.અબીલ-ગુલાલ ઉછાળી ઢોલ-નગારાના તાલે અને વિજયી નારાઓ સાથે ગ્રામજનોએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. થલોટા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે વિજયી બનાવવા માટે તેમણે સૌ ગ્રામજનોનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.સૌના સાથ અને સહકારથી થલોટા ગામનો સર્વાંગી વિકાસ કરવા માટે તેમણે જણાવ્યું હતું.