સિંગવડ તાલુકામાં જૂન મહિનાના છેલ્લા દિવસમાં સસ્તા અનાજનોની દુકાનદારો દ્વારા અનાજ વિતરણ કરવામાં આવતા રાશન કાર્ડ ધારકોને સવારથી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. સિંગવડ સહિત કેટલીક દુકાનોમાં એક કરતાં વધારે ગામોનો સમાવેશ કરાયો હોઈ રેશનકાર્ડ ધારકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.


રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનાનો સસ્તા અનાજનો પુરવઠો રેશનકાર્ડ ધારકોને વહેલા મળે તેવી વ્યવસ્થા કરાઈ હતી. ત્યારે સિંગવડ તાલુકાની સસ્તા અનાજની દુકાન દ્વારા જૂન મહિનામાં જથ્થો આપ્યો હોવા છતાં વિતરણ નહીં કરાતાં જૂન મહિનાના છેલ્લા દિવસોમાં જ વિતરણ કરાતા રાહત દરનું અનાજ મેળવવા રેશનકાર્ડ ધારકોને સવારે 7 વાગ્યાથી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. જેને લઈને રોજ કમાઈને રોજ ખાનારા મજુરીયાત વર્ગને સવારથી ધંધા રોજગાર બંધ રાખીને અનાજ લેવા માટે લાઈનમાં ઊભા રહેવું પડે છે. જેને લઈને સિંગવડ તાલુકાના કાર્ડધારકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્રણ મહિનાનો અનાજનો જથ્થો એક સાથે ફાળવી દેવાયો છે, ત્યારે દુકાનદાર દ્વારા પણ આખો મહિનો અનાજનું વિતરણ કેમ કરાતું નથી? તે પ્રશ્ન પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પરિસ્થિતીમાં સિંગવડ તેમજ નાની સંજેલી ખાતેની દુકાન પર દુકાનદાર અને કાર્ડધારકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. કેટલીક દુકાનો પર એકથી વધુ ગામોના કાર્ડધારકોનો સમાવેશ થતો હોવાથી વિતરણમાં મુશ્કેલી પડતી હોવાનું પણ દુકાનદારો જણાવી રહ્યા છે. ત્યારે દરેક ગામના કાર્ડધારકોને તેમના ગામમાં અનાજ મળે તેવી વ્યવસ્થા કરવા માગ કરાઈ છે.


  • Follow us on: