જાંબુઘોડા નજીક આવેલા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ઝંડ હનુમાન ખાતે આજે શ્રાવણ માસના છેલ્લા શનિવારે પરંપરાગત મેળો ભરોયો હતો. જેમાં દાદાના દર્શને અને મેળામાં મહાલવા બેથી અઢી લાખ ભક્તો ઉમટી પડયા હતા. હાલોલ, શિવરાજપુર, વડોદરા, આણંદ તેમજ પરોલી ધામના હનુમાન ભક્તો દ્વારા ઠેર ઠેર ભંડારાનું આયોજન કરાયું હતું
જાંબુઘોડા ખાતે જંગલ વિસ્તારમાં આવેલા ઝંડ ગામે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલી હનુમાન દાદાની વિશાળ મૂર્તિ આવેલી છે. આ મૂર્તિની ખાસ વિશિષ્ટતા એ છે કે દાદાની મૂર્તિના ડાબા પગ નીચે શનિદેવની પનોતીની મૂર્તિ આવેલી છે. આ સ્થળે શનિની પનોતીથી પીડાતા લાખો ભક્તો શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે આવતા હોય છે. શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે અહીં પાછલા પાંચ દાયકાથી પરંપરાગત મેળો ભરાય છે. આ સ્થળે અનેક પ્રકારની ભગ્ના અવસ્થાની ખંડિત મૂર્તિઓ તેમજ ભીમની ઘંટી, અર્જુને તીર મારી પાણી કાઢયું હતું તે કૂવો, પ્રાચીન કાળનું શિવ મંદિર તથા આ સિવાય પણ અનેક શિવ મંદિરો આસપાસના જંગલ વિસ્તારમાં આવેલા છે. આજે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે અને શ્રાવણના આખરી દિવસે ઝંડ હનુમાન ખાતે બે થી અઢી લાખ ઉપરાંત હનુમાન ભક્તો ઉમટી પડયા હતાં. જય બજરંગ બલીના નારા સાથે શુક્રવારની રાતથી જ પગપાળા પ્રવાસીઓનું ઘોડાપુર આવવાનું શરૂ થયું હતું. શિવરાજપુર તેમજ બોડેલી રોડ ઉપરથી રાત્રિના સમયે હજારો ભક્તો પગપાળા પ્રવાસ કરી ઝંડ હનુમાન ખાતે જતા નજરે પડયા હતા.










