કાલોલના ડેરોલ સ્ટેશન સ્થિત પાછલા સાત વર્ષોથી બની રહેલા રેલ્વે ઓવરબ્રિજની કામગીરીને પગલે ડેરોલ સ્ટેશનમાં દર વર્ષે નિતનવી હાલાકીઓ ફૂટી નિકળતી જોવા મળે છે. જે મધ્યે બે વર્ષથી બનેલા રેલ્વે અંડરબ્રિજમાં ચોમાસું સિઝન દરમ્યાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા અવારનવાર સર્જાતી રહે છે. તાજેતરમાં પાછલા ચાર પાંચ દિવસના ભારે વરસાદને પગલે અંડરબ્રીજમાં પાણીનો ભરાવો થતાં અંડરબ્રીજ બન્ને બાજુથી બ્લોક થઈ જતાં સ્થાનિક વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ચાર કિલોમીટરના ડાયવર્ઝન ફરવો પડે છે તદ્ઉપરાંત ઘણા લોકો ઘણીવાર અંડરબ્રીજની છતના પતરાં પરથી પસાર થઈને રેલ્વે ટ્રેક પસાર કરવાનો અતિશય જોખમી વિકલ્પ લેતા જોવા મળી રહ્યા છે.


કાલોલ નજીકના ડેરોલ સ્ટેશન સ્થિત વર્ષ 2017-18થી બની રહેલો રેલ્વે ઓવરબ્રિજ સ્થાનિકો અને કાલોલથી સાવલી સુધીના સમગ્ર રૂટ માટે મજબૂરીનો વિકાસ બની ગયો છે. વર્ષ 2017-18થી બની રહેલા ઓવરબ્રિજની કામગીરીના પ્રારંભે જ કામગીરી અટકી પડતાં ચાર પાંચ વર્ષ સુધી ખોરંભે પડી હતી. જોકે એ પછી 2023-24થી પુનઃ કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ રેલવે ઓવરબ્રિજની કામગીરી હાલ મંથરગતિએ ચાલી રહી હોય આ ઓવરબ્રિજ ક્યારે બની રહેશે એ કહેવું અને કળવું પણ મુશ્કેલ બની ગયું છે. જેને કારણે વચ્ચે 2022-23 માં રૂ.ચાર કરોડના ખર્ચે બનેલો ચાર મીટર પહોળો અને અઢી મીટરની ઊંચાઈ ધરાવતા અંડરબ્રીજમાં હવે દર વર્ષે ચોમાસામાં કે કમોસમી વરસાદમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક નાના વાહનો, વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ભારે હાલાકીઓ ભોગવવી પડે છે. તાજેતરમાં પાછલા ચાર પાંચ દિવસોમાં થયેલા ભારે વરસાદને કારણે રેલવે અંડરબ્રિજ ચારેય દિવસોથી જળબંબાકાર હાલતમાં બ્લોક જોવા મળે છે. અંડરબ્રિજના વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિક પંચાયત દ્વારા પંપનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આસપાસના વિસ્તારોમાંથી આવતા વરસાદી પાણીનો પ્રવાહ અંડરબ્રીજમાં થતો હોવાથી ચોવીસ કલાક પંપથી પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં પાણી પાણીનો ભરાવો યથાવત છે.


  • Follow us on: