કાલોલના ડેરોલસ્ટેશન સ્થિત વર્ષ 2017થી બની રહેલા રેલવે ઓવરબ્રિજના વિકલ્પે બે વર્ષે પહેલા બનાવેલા અંડર બ્રીજના પોપડા ખરી જતાં બ્રીજની નુકસાની અને ક્ષમતા અંગે ચિંતાનો વિષય બન્યો છે.


ડેરોલ સ્ટેશન સ્થિત મુખ્ય ફાટક નંબર 32 પર વર્ષ 2017થી તૈયાર થતા રેલવે ઓવરબ્રિજની કામગીરી અધવચ્ચે બંધ પડી જતાં વચ્ચે ચાર વર્ષ ઓવરબ્રિજની કામગીરી ખોરંભે પડી જતાં સ્થાનિકોને અને વાહનચાલકોને પડતી હાલાકીઓને પગલે વર્ષ 2022માં રેલ્વે વિભાગ દ્વારા રૂા.3.50 કરોડના ખર્ચે અંડર બ્રીજ બનાવીને 2023માં લોકાર્પણ કરાયું હતું. જેના ચાર મહિનામાં જ એક લાઈન પર સિમેન્ટ કોંક્રિટની છતમાં તિરાડો પડી હતી અને લોખંડના સળિયા બહાર આવી ગયા હતા. ઉપરાંત બ્રીજને થયેલા નુકસાનને કારણે એક તરફ્નો ઝોક પણ વધી ગયો હતો. જેથી પશ્ચિમ રેલવેની મુખ્ય લાઈન હોવાને કારણે દિલ્લી-મુંબઈ-અમદાવાદની ડેઈલી હાઈસ્પીડ ટ્રેનો અને ભારવાહક માલગાડીઓ સહિત ચોવીસ કલાકમાં 130 ટ્રેનો પસાર થતી હોવાને કારણે બ્રીજને વધારે નુકસાન થવાની સંભાવનાએ ગમે તે દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતી સેવાઈ રહી હતી. જે તે સમયે રેલવે વિભાગ દ્વારા બ્રીજની તપાસ કરીને સબ સલામત હોવાનો દાવો કર્યો હતો. પરંતુ તાજેતરમાં બુધવારે રાત્રે વધુ એકવાર બ્રીજની છતના પોપડા ખરી જતાં સ્થાનિક તંત્ર દ્વારા હાલ અંડરબ્રીજની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.


  • Follow us on: