શહેરા તાલુકાના પાદરડી ગામની ચોકડી પાસે સર્કલ સાથે બાઇક અથડાતા બેના મોત નીપજ્યા હતા. પોલીસ એ આ બનેલા માર્ગ અકસ્માતમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરા - વાઘજીપુર રોડ ઉપર આવેલ પાદરડી ચોકડી પર ગુરૂવારની રાત્રિ એ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં ચલાલી તરફ્થી પૂરપાટ આવી રહેલી બાઈક પાદરડી ચોકડી પર આવેલા સર્કલ સાથે ધડાકાભેર ભટકાતા બાઈક ઉપર સવાર બે યુવકોને ગંભીર ઈજાઓ થતાં બંને યુવકોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.અકસ્માતમાં મૃત્યુ પામેલ બંને યુવકોમાં એક પાદરડી ગામનો હિતેશ ગુલાબભાઈ પટેલ જ્યારે બીજો સુરેલી ગામનો મુકેશ નરવતભાઈ પગી હોવાનું સામે આવ્યું હતું.ઘટનાની જાણ બંને યુવકોના પરિવારજનોને થતાં પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, તો બીજી તરફ અકસ્માતની ઘટનાને પગલે શહેરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા બંને યુવકોના મૃતદેહને ખાનગી વાહન મારફ્તે શહેરા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે લવાયો હતો.










