ગુજરાતના પ્રખ્યાત અને પૌરાણિક યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રી મહોત્સવને લઈને ભારે ઉત્સાહ અને આસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે. નવરાત્રીના ત્રીજા નોરતે વહેલી સવારથી જ ડુંગર પર બિરાજમાન જગતજનની માં મહાકાળીના દર્શન કરવા માટે દૂર-દૂરથી માઈભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો. વહેલી સવારની આરતી અને પૂજન અર્ચન સાથે જ પાવાગઢ ડુંગર પરિસર 'જય મહાકાળી' અને 'જય અંબે'ના નારાથી ગુંજી ઉઠ્યું હતું, જ્યાં હજારોની સંખ્યામાં ભક્તોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને માતાજીના દર્શન કર્યા હતા.
પ્રથમ નોરતાથી અત્યાર સુધીમાં બે લાખથી વધુ માઈભક્તોએ લીધા દર્શનનો લાહોર
આસો નવરાત્રીના પવિત્ર દિવસો દરમિયાન યાત્રાધામ પાવાગઢમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના ચરણે શીશ ઝૂકાવીને ધન્યતા અનુભવતા હોય છે. આ વર્ષે પણ નવરાત્રીના પ્રારંભ એટલે કે પ્રથમ નોરતાથી જ યાત્રાધામમાં માઈભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. એક અંદાજ મુજબ, નવરાત્રીના પ્રથમ દિવસથી લઈને અત્યાર સુધીમાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પાવાગઢ પર્વત પર પહોંચીને માં મહાકાળીના દર્શન કરી ચૂક્યા છે. રોપ-વે અને સીડીઓ દ્વારા માતાજીના મંદિર સુધી પહોંચતા માર્ગો પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
