ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય નિવેદનો ખૂબજ ગરમ થઈ રહ્યાં છે. પહેલા ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ કહીને રાજકીય મધપૂડો છંછેડ્યો હતો. ત્યાર બાદ પાટીદાર અનામત આંદોલનના મુદ્દાને થોડી હવા મળી હતી. આ દરમિયાન કોળી અને પાટીદાર સમાજના આગેવાનોએ સામ સામે પ્રહારો કર્યા હતાં. આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મ જયંતી નિમિત્તે રાજ્યના આદિવાસી પટ્ટામાં ધામા નાંખવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને પદાધિકારીઓ હાલમાં આદિજાતિ વિસ્તારોમાં લોકસંપર્ક કરી રહ્યાં છે.તેવામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આદિવાસીઓ હિન્દુ નથી તેવું નિવેદન આપતાં ફરીવાર વિવાદ શરૂ થયો છે.   

આદિવાસી સમાજને ક્યારેય છેતરવો ના જોઈએ

શંકરસિંહ વાઘેલાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, આદિવાસી સમાજને ક્યારેય છેતરવો ના જોઈએ. તેમને આ હિન્દુ કાયદો લાગતો નથી. તમે હિન્દુ નથી પણ તમને કોઈ હિન્દુ બનાવે તો હિન્દુ ધર્મને શું ફાયદો થાય એ ભગવાન જાણે. આદિવાસી સમાજના તમામ ફાયદા બંધ થઈ જાય. 1952થી હિન્દુ નામનું રટણ ચાલે છે પણ તમે હિન્દુ નથી. હિન્દુ નથી એટલે આદિવાસી સમાજને જે લાભ મળે છે એ ના મળે. હિન્દુઓને શું લાભ મળે છે એ હિન્દુને ખબર. હવે જ્યારે વારો આવે ત્યારે કહેજો કે અમે એક્સ કે વાય નહીં પણ અમે આદિવાસી છીએ. વસતી ગણતરી આવે ત્યારે આમાં કશું ભૂલતા નહીં. આ બહુ મહત્વનું છે જે તમારે ધ્યાન રાખવાનું છે. 

હિન્દુઓની એકતા તોડવા માટે આ ભ્રામક પ્રચાર કરાય છે

હાલમાં રાજ્યમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યાં છે. જે અંતર્ગત ગોધરા ખાતે યોજાયેલા મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહેલા ભાજપના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ શંકરસિંહ વાઘેલાના નિવેદનને લઈને આકરા પ્રહારો કર્યા હતાં. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કહે છે કે આદિવાસીઓ હિન્દુ નથી. એમનું આ નિવેદન હિન્દુ સમાજમાં ભાગલા કરવાનું છે અને હું તેનો સખત વિરોધ કરુ છું. આદિવાસીએ હિન્દુ સમાજનો અવિભાજ્ય અંગ છે. આદિવાસી હિન્દુ ના હોય તો શબરીએ શ્રીરામ ભગવાનને એંઠા બોર ના ખવડાવ્યા હોત. ભગવાન રામ માતા શબરીની ઝૂંપડીએ ગયા હતાં અને માતા શબરીના ચાખેલા બોર એમણે ખાધા હતાં. આ માત્ર સમાજમાં ભાગલા કરવાનું ષડયંત્ર છે. હિન્દુઓની એકતા તોડવા માટે આ ભ્રામક પ્રચાર કરાય છે. 

આ પણ વાંચોઃ Surat: ભાજપમાં આંતરિક વિખવાદ અને કથિત ભ્રષ્ટાચારના આક્ષેપથી ખળભળાટ, વોર્ડ-27ના વોટ્સએપ ગ્રુપમાં ₹19 લાખના 'તોડકાંડ'ની ચર્ચા