કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં ભીલવાસ સિદ્ધપુર ખાતે ભગવાન બીરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ગૌરવભેર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે મંત્રી બલવંતસિંહ રાજપૂતે મહાન આદિવાસી નાયક ભગવાન બીરસા મુંડાજીને યાદ કરી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ ભગવાન બિરસા મુંડાની બહાદૂરી અને આદિવાસી હિત માટેના તેમના યોગદાનને યાદ કરી તેમને ભાવભરી શ્રાદ્ધાંજલિ પાઠવી હતી. મંત્રી બલવંતસિંહ રાજપૂતે આ નિમિત્તે સિદ્ધપુર ખાતે ભીલવાસથી એક ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.


આ પ્રસંગે મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓ મૂળ નિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે છે. શિક્ષણ, આરોગ્ય, રોજગાર, આવાસ, મહિલા સશક્તિકરણ જેવી અનેક જાગૃતિલક્ષી અને લાભ લક્ષી યોજનાઓના માધ્યમથી મૂળ નિવાસી સમાજને નવી દિશા અને વિકાસ તરફ્ લઇ જવામાં આવી રહ્યો છે. આજનો કાર્યક્રમ મૂળ નિવાસી વારસાની ગૌરવગાથાને ઉજાગર કરે છે અને ભવિષ્યમાં વધુ સશક્ત સમુદાયના નિર્માણ માટે પ્રેરણા આપે છે. આ કાર્યક્રમમાં વિપુલભાઈ રાણા, સુરેશભાઈ ભીલ, વિષ્ણુભાઈ પટેલ, રણજીતભાઈ સોલંકી, અંકુરભાઈ મારફ્તિયા, શંભુભાઈ દેસાઈ, જયેશભાઈ પંડયા, મિહિરભાઈ પાધ્યા, જે.ડી પટેલ, ભરતભાઈ મોદી, આયોજકો, સંગઠનના હોદ્દેદારો, તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


  • Follow us on: