રાધનપુર તાલુકાના વડલારા ગામે ગત બે દિવસ પહેલા તસ્કરોએ બંને બાજુમાં આવેલ બંને મકાનોમાં તેમજ મંદિરમાં ચોરી કરી સોના-ચાંદી તેમજ રોકડ રકમની કુલ 1.91 લાખના મતાની ચોરી કરી ઈસમો રફૂચક્કર થઈ ગયા હતા જે બનાવે રાધનપુર પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
શિયાળાની શરૂઆત થતાની સાથે જ ઠંડીના ચમકારામાં તસ્કરોએ પોતાના કળાનો કસબ અજમાવવાની શરૂઆત કરી નાખી છે. રાધનપુર તાલુકાના વડલારા (અલ્હાબાદ) ગામે રહેતા પંચાલ મનસુખભાઈ રામભાઈ ગત બે દિવસ પહેલા પોતાનું ઘર બંધ કરીને અમદાવાદ ખાતે આવેલા ચાંદલોડિયા વિસ્તારમાં લગ્ન હોવાથી પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હતો અને તેવા સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ પંચાલ મનસુખભાઈના ઘરમાં પ્રવેશ કરી ઘરના તાળા તોડી ઘરમાં રહેલ પતરાંના ટંકમાં 1 લાખ રોકડા, ટંકમાં રહેલ સોનાનો દોરો 1, સોનાની કંઠી, પતરાં ટંકમાં રહેલ સોનાની વિટી, ચાંદીની ઝાંઝર, સૂટકેસમાં રહેલ 20,000 રોકડા તેમજ બાજુમાં આવેલ પંચાલ જીવાભાઈના મકાનમાં પ્રવેશ કરી તસ્કરોએ પતરાનાં ટંકમાં રહેલ સોનાની વીંટી, તેમજ ઘરના આગનમાં આવેલ ઝાપડી માંતાજીના મંદિરમાં રહેલ સ્ટીલની દાનપેટીમાં 12000 રોકડા, મંદિરમાંથી સોનાના સતત નંગ 2, સોનાનો કુવાડો અને પાવરો મળી બંને મકાનો અને મંદિર માંથી તસ્કરો કુલ 1.91 લાખ ની મતાની ચોરી કરી તેજ ઘડીએ છુમંતર થઈ ગયા હતા.જે ચોરીના બનાવની મકાન માંલિક પંચાલ મનસુખભાઈને જાણ થતાં તેઓ તાબડતોબ વડલારા ખાતે દોડી આવી રાધનપુર પોલીસને જાણ કરી રાધનપુર પોલીસ મથકે અજાણ્યાં તસ્કરો વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.










