હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે મળેલી બોર્ડ ઓફ્ મેનેજમેન્ટની બેઠકમાં યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી અટકેલી ભરતી પ્રક્રિયાઓ આ હાથ ધરવા, દીક્ષાંત સમારોહ યોજવા સાયન્સમાં સ્પેશિયલ મહિલા કોલેજો શરૂ કરવા અંગે પ્રાધાન્ય આપવા, કોલેજોની તપાસ માટે સ્પેશિયલ કમિટી બનાવવા સહીત વિવિધ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.


તાજેતરમાં મળેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની બોર્ડ ઓફ્ મેનેજમેન્ટની બેઠક કુલપતિ ડો.કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં બોર્ડના સભ્યો દ્વારા સર્વ સંમતિ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં પીએટુ કુલપતિ, પીએટુ રજીસ્ટાર, એસ્ટેટ એન્જિનિયર, આસિસ્ટન્ટ એસ્ટેટ એન્જિનિયર જેવી એકાંકી જગ્યાઓ જે છેલ્લા ઘણા સમયથી ખાલી છે. તે જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપી છે. ત્યારે આ જગ્યાઓ ભરવા આગામી સમયમાં જાહેરાત આપવામાં આવશે તેમજ કાયમી ક્લાર્ક અને અધ્યાપકોની ખાલી જગ્યાઓ ભરવા માટે મહેકમનું રોસ્ટર મંજુર કરવા માટે સરકારમાં મોકલી આપવામાં આવેલ છે. જે મહેકમનું રોસ્ટર આવી ગયા બાદ આ ખાલી જગ્યા ભરવા માટેની પ્રક્રિયા પણ આ ધરવામાં આવશે. વધુમાં હવે નવા એક્ટ મુજબ વિદ્યાર્થીઓને રાજ્યપાલના સહીવાળા ડિગ્રી પ્રમાણપત્ર આપવાનું ફ્રજિયાત કરવામાં આવેલ હોય આગામી 31મી જાન્યુઆરીના રોજ હેમચંદ્રાચાર્ય મહારાજ દ્વારા જે દિવસે દીક્ષા લીધી હતી તે દિવસની તિથિ હોય આ દિવસે ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રનું વિતરણ કરવા માટે કોનવોકેશન યોજવા માટે રાજ્યપાલ પાસે મંજૂરી માંગવામાં આવેલી છે તેમજ બીઓએમ દ્વારા આ કાર્યક્રમ માટે 50થી 60 લાખ ના ખર્ચની પણ જોગવાઈને મંજુર કરવામાં આવી છે.

વધુમાં કોલેજોએ લેટર ઓફ્ ઇન્ટેક લેવાનો હોય છે તે માટે યુનિવર્સિટીએ કોલેજોને ત્રણ પત્રો પાઠવવામાં આવ્યા છે પરંતુ કેટલીક કોલેજો તેની પૂરતતા કરી રહી નથી. ત્યારે હવે આ અંગેની તમામ જવાબદારી કોલેજ અને મેનેજમેન્ટ રહેશે. છતાં પણ આ બાબતે સરકારનું ધ્યાન દોરવામાં આવશે. પ્રાંતિજની એક કોલેજમાં માસ કોપી કેસની ઘટના સામે આવી હતી. તે માટે તપાસ કમિટી નિમાઈ હતી.જે કમિટીની ભલામણથી કોલેજને નોટિસ આપવામાં આવી હતી અને તે કોલેજનું પરીક્ષા કેન્દ્ર કાયમી ધોરણે રદ કરવામાં આવેલ છે. તેથી પણ વધારે મજબૂત નિર્ણય લેવાનો જણાઇ આવતા, કોલેજ પાસે એફ્ડિેવીટ લેવામાં આવેલ છે. તેમજ યુનિવર્સિટીની પ્રતિષ્ઠા કોલેજના કારણે ઓછી થઈ હોય તે બાબતે પણ નોટિસ આપવાની પ્રક્રિયા કરવામાં આવશે. આ ઉપરાંત તાજેતરમાં એક કોલેજના અધ્યાપક દ્વારા વિદ્યાર્થીઓને 100 ગુણમાંથી માર્ક્સ આપવાની જગ્યાએ 20 ગુણમાંથી વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં આવતા 8 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તે બાબતે પણ અધ્યાપકનો ખુલાસો પૂછવામાં આવશે અને વ્યવસ્થા પેટે અડચણ પેટે જે ખર્ચ થયો છે તે તેમની પાસેથી વસૂલવામાં આવશે. તેમજ બોર્ડ ઓફ્ ડીન્સ દ્વારા પાંચ વર્ષનું પ્લાનિંગ કરવામાં આવેલ છે. તે પ્લાન અન્વયે યુનિવર્સિટી આગળ વધી રહી છે.

જે અંતર્ગત સાયન્સ ફેકલ્ટીમાં જે કોલેજ સ્પેશિયલ મહિલા કોલેજની માગણી કરશે તેની ચકાસણી કરી મંજૂરી આપવામાં આવશે. યુજી અને પીજી સાયન્સ કોર્સમાં હાલ નવી કોઈ કોલેજને મંજૂરી આપવામાં આવશે નહીં. બીસીએ અને બીબીએ કોર્ષ જીટીયુમાં જવાથી આગામી વર્ષથી તે કોલેજોની ભલામણ માગવાના નથી. નવી કોલેજો શરૂ કરવા માટે જે પણ અરજી આવશે તે અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષામાં થતી ચોરીઓ રોકવા માટે હવે યુનિવર્સિટી દ્વારા દરેક જિલ્લામાં બે બે સ્કોડની રચના કરવામાં આવી છે તેમજ અત્યાર સુધી કોલેજોની માન્યતા માટે એલ.આઇ.સીના રિપોર્ટના આધારે કોલેજની માન્યતા આપવામાં આવતી હતી પરંતુ હવે એલઆઈસી ઉપરાંત કોલેજોનું સ્પેશિયલ ઇન્સ્પેક્શન કરવા માટે બીઓએમ દ્વારા નવીન કમિટી બનાવવામાં આવશે. કમિટી જે તે કોલેજમાં જઈ કોલેજની સરપ્રાઈઝ વિઝીટ લઈ યુનિવર્સિટીને તે કોલેજની વ્યવસ્થાઓ શૈક્ષણિક અને ભૌતિક સુવિધા અંગેની માહિતીનો રિપોર્ટ રજૂ કરશે. તો તે બીઓએમમાં મૂકી તે અંગે આગળ શુ નિર્ણય કરવો તે માટે સરકારમાં મોકલી આપવામાં આવશે. આ બેઠકમાં બોર્ડ ઓફ્ મેનેજમેન્ટના સભ્યો યુનિવર્સિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Follow us on: