સમી તાલુકાના બાબરી ગામે આવેલ જુથ ગ્રામ પંચાયતના VCE તરીકેનો ચાર્જ પડોશના ગામના VCE દ્વારા સંભાળવામાં આવી રહ્યો છે જેની સામે હાલમાં બાબરી ગામના ખેડૂત અરજદારો દ્વારા પાક નુકસાની અંગેની સહાય માટે ભરવામાં આવતાં ઓનલાઇન ફોર્મ દીઠ રૂપિયા 100 ઉઘરાવતા હોવાના સનસનીખેજ આક્ષેપ કરાઈ રહ્યા છે. જેને લઈ સમી તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ તલાટીને જાણ કરી આક્ષેપ કરનારા અરજદારોના નિવેદન લેવા સુચના આપી દેવાઈ છે
ચોમાસામાં પાટણ જીલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ચોમાસુ ગયા બાદ પણ કમોસમી વરસાદ થયો હતો જેને લઈ છેવાડાના પંથકમાં ખેડૂતો દ્વારા વાવેતર કરાયેલ પાકો નિષ્ફ્ળ ગયા હતા જેથી સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચુકવવા માટે સર્વે કરાવી તેના ઓનલાઇન ફોર્મ પંચાયત વિભાગના VCE એટલે કે કમ્પ્યુટર ઓપરેટર દ્વારા ભરી આપવા સુચનાઓ પણ આપી દેવાઈ હતી અને તેની સામે કોઈ પણ ખેડૂત અરજદારો પાસેથી કોઈ ચાર્જ નહીં લેવા માટે પણ કડક સુચના આપવામાં આવી હોવા બાબરી ગામે આવેલ જુથ ગ્રામ પંચાયતના VCE તરીકે પડોશી ગ્રામ પંચાયત અદગામનો રમેશજી નામનો શખ્સ VCE તરીકે ચાર્જ સંભાળી રહ્યો છે અને ખેડૂતો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવા માટે જતાં ગરીબ ખેડૂતોની મજબૂરીનો લાભ લઈ રમેશજી રૂપિયા 100 ફોર્મ દીઠ ઊઘરાવતો હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે. પંચાયતના VCE રમેશજી દ્વારા 100 રૂપિયા ઓનલાઇન ફોર્મ ભરવા માટે લેવાતાં હોવાનું ખુદ ખેડુત અરજદારો પણ જણાવી રહ્યા છે










