પાટણમાં ખરાબ રોડ રસ્તાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. શનિવારે સોનીવાડામાં એક વૃદ્ધની સાયકલ રોડ પર પડેલા ખાડામાં પટકાવાથી તેઓ નીચે પટકાતા તેમનું મોત થયું હતું. ત્યારે થોડા દિવસ અગાઉ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા રેલ્વે ઓવરબ્રિજની નીચે પડેલા ખાડાના કારણે લોકોને અકસ્માત થતા હોય ખાડા પુરવા માટે નગરપાલિકા, જીયુડીસીના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
રવિવારે ઓવરબ્રિજની બાજુમાં આવેલા દેવદર્શન કોમ્પલેક્ષ આગળ રોડ ખૂબજ ખરાબ થઈ ગયો હોય તેમજ ખાડામાં વરસાદના પાણી ભરાઈ જાય છે. જેથી લોકોનું ખાડા દેખાતા ના હોવાના કારણે અહીંયા રોજ 8થી 10 વાનચાલકો પોતાના વાહનો લઈને પટકાય છે જેથી તેમને ઈજાઓ પણ થાય છે. આજે પણ એક ટુ-વ્હીલરચાલક આ ખાડામાં પટકાતા ઈજા થઈ હતી જેથી આસપાસમાંથી લોકો દોડી આવીને બાઈકસવારને ઉભો કર્યો હતો ત્યારે આ રોડ પર ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માત થાય તેની તંત્ર રાહ જોવાઈ રહી હોય એવું લાગે છે.










