શનિવારે રાત્રીથી પાટણ જિલ્લા ઉપર મેઘરાજા રીતસરના તૂટી પડયા હોય તેમ આખા જીલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ સિદ્ધપુર પંથકમાં ખાબક્યો હતો. જેને પરિણામે સિદ્ધપુર શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણીએ રેલમછેલ કરી દીધી હતી. તાલુકાના કાકોશી, મેત્રાણા, મામવાડા અને ધનાવાડા સહિતના ગામડાંઓના તળાવ છલકાઈ જતાં તળાવના અને વરસાદી પાણી ગામોમાં ફરી વળતાં જાહેર રસ્તાઓ અને ઘરોમાં પાણી ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત થયા હતા. ઉપરવાસ અને સિદ્ધપુર પંથક ચોતરફથી વરસાદી પાણી વહેતાં થઈ જતાં સિદ્ધપુરની પવિત્ર કુંવારીકા સરસ્વતી નદી, ઉમરદશી નદી અને મોહિની સહિતની નદીઓમાં વરસાદ નીર ખળખળ વહેતાં થતાં નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સરસ્વતી નદી ઉપર બની રહેલા રિવરફ્રન્ટના પટમાં પણ નદીનું પાણી આવી પહોંચ્યું હતું. જેથી પાણીનો નોંધપાત્ર ભરાવો થયો છે.


પાટણ જિલ્લામાં શનિવારે મોડી રાત્રીથી મેઘરાજાએ ફરીથી સવારી કરતાં જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં વરસાદ પડવાનો શરૂ થયો હતો. રાત્રીથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર અને તે બાદ બપોર સુધી વરસવાનો શરૂ થતાં જીલ્લાભરમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જીલ્લામાં સૌથી વધુ 8 ઈંચ જેટલો વરસાદ સિદ્ધપુર પંથકમાં નોંધાયો હતો જેને પરિણામે શહેરી વિસ્તારની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. સિદ્ધપુર શહેરમાં દર ચોમાસાની માફક ઋષિ તળાવ, પેપલ્લા અને રાજપુર નાળા આગળ 4 ફૂટથી પણ વધુ પાણી ભરાઈ ગયા હતા જેને પરિણામે ઋષિ તળાવ અને પેપલ્લામાં રહેતા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા જેથી લોકોને અન્યત્ર સ્થળાંતર કરીને હંગામી ધોરણે આશ્રાય આપવામાં આવ્યો હતો. તાલુકાના કાકોશી, મેત્રાણા, દશાવાડા, ધનાવાડા અને મામવાડા સહિતના ગામડાંઓમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા જેને પરિણામે ગામડાંઓ બેટમાં ફરેવાઈ ગયા હતા. ગામડાંઓના જાહેર રસ્તાઓ ઉપર 3 થી 4 ફૂટ પાણી વહ્યાં હતા જેને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. જીલ્લામાં પાટણ સહિતના પંથકોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દેતા મોટાભાગના નિચાણવાળા વિસ્તારોમાં અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસેલા વરસાદને કારણે કેટલાક દિવસોથી પાકને પિયત પણ ન કર્યું હોય નોંધપાત્ર વરસાદ વરસતા પાકને પણ જીવતદાન મળ્યું છે જેના કારણે ધરતીપુત્રો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. પાટણ પંથકમાં શનિવારે મોડી રાતથી મેઘરાજાએ આગમન કરતા ગરમી સામે લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા શહેરમાં કુલ 4.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ચાણસ્મા અને હારીજમાં દોઢ - દોઢ ઇંચ જ્યારે રાધનપુરમાં 2.5 ઇંચ,સમીમાં 1.25 ઇંચ, સાંતલપુરમાં 1.5 ઇંચ, સરસ્વતી તાલુકામાં 3 ઇંચ અને સૌથી ઓછો વરસાદ શંખેશ્વરમાં પોણો ઇંચ જેટલો નોંધાયો હતો પંથકમાં પણ અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ શંખેશ્વર પંથકમાં વરસ્યો છે.


  • Follow us on: