પાટણ લોકસભા વિસ્તારમાં રેલવે સુવિધાઓનો વિસ્તાર કરવા અને સ્થાનિક નાગરિકોની લાંબા સમયની માગને વાચા આપવા માટે પાટણના સાંસદ ભરતસિંહજી ડાભી દ્વારા રેલવે મંત્રીને એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. સાંસદે સાબરમતી-કટોસણ પેસેન્જર ટ્રેનને બહુચરાજી અને ચાણસ્મા થઈને રણુંજ સુધી લંબાવવાની સખત માગ કરી છે. આ રેલવે સેવા શરૂ થવાથી ઉત્તર ગુજરાતના વિશાળ પંથકને સીધો વાહનવ્યવહારનો ફાયદો મળશે.

CRS ની સુરક્ષા મંજૂરી મળી ગઈ હોવાનો ઉલ્લેખ

સાંસદ ભરતસિંહજી ડાભીએ રેલવે મંત્રાલયને મોકલેલી પોતાની રજૂઆતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે રણુંજ-કટોસણ બ્રોડગેજ લાઇનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને તેને સક્ષમ અધિકારીઓ એટલે કે કમિશનર ઓફ રેલવે સેફ્ટી (CRS) તરફથી અંતિમ સુરક્ષા મંજૂરી પણ મળી ગઈ છે. સુરક્ષા ચકાસણી પૂર્ણ થઈ હોવા છતાં આ માર્ગ પર પેસેન્જર ટ્રેન શરૂ ન થતાં સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, જેથી જનહિતમાં આ સેવા સત્વરે શરૂ કરવી અત્યંત જરૂરી છે.

હજારો મુસાફરો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને થશે સીધો લાભ

જો સાબરમતી-કટોસણ ટ્રેનને રણુંજ સુધી લંબાવવામાં આવશે તો બહુચરાજી, ચાણસ્મા અને રણુંજ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હજારો દૈનિક મુસાફરો, અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓ, વેપારીઓ અને નોકરીયાતોને મોટો આર્થિક અને સમયનો ફાયદો થશે. આ ટ્રેન શરૂ થવાથી અમદાવાદ જેવા પ્રમુખ આર્થિક કેન્દ્રો સાથે ઉત્તર ગુજરાતના આ વિસ્તારોની રેલવે કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો : Ahmedabad રેલવે DRM ઓફિસના નામે તોડબાજીનો પર્દાફાશ, રૂ.40 લાખના બોગસ કૌભાંડનો દાવો કરી અંકિત પાંડે અને યોગેશ મિશ્રા સામે FIR!