પાટણ જિલ્લા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિવાદે ભારે રાજકીય ગરમાવો લાવી દીધો છે. પક્ષમાં ઉદ્ભવેલા મતભેદો અને થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ મૌન તોડીને પોતાની સામે લાગેલા તમામ આક્ષેપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પક્ષને નુકસાન પહોંચાડવા અને વાતાવરણ ડહોળવા માટે પાયાવિહોણી બાબતો ફેલાવવામાં આવી રહી છે, જેમાં કોઈ સત્યતા નથી.

દિલ્હી પ્રવાસ શુભેચ્છા મુલાકાત હતી

પોતાના તાજેતરના દિલ્હી પ્રવાસ અંગે ખુલાસો કરતા ગેમરભાઈ દેસાઈએ સ્પષ્ટતા કરી હતી કે તેમનો દિલ્હી પ્રવાસ માત્ર એક શુભેચ્છા મુલાકાત હતો. આ મુલાકાત દરમિયાન પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડા કે અન્ય કોઈ આંતરિક ખેંચતાણ અંગે કોઈ જ ચર્ચા કરવામાં આવી ન હતી. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી વાતો માત્ર અફવાઓ છે અને પક્ષના નેતૃત્વ સામે કોઈ નારાજગી કે વિરોધ નથી.

‘ભ્રષ્ટાચાર કે સાઠગાંઠ સાબિત થાય તો જાહેર જીવન છોડી દઈશ’

વિરોધીઓ દ્વારા મુકવામાં આવેલા ગંભીર આરોપો સામે કડક વલણ અપનાવતા ગેમરભાઈ દેસાઈએ ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે ઉમેર્યું કે, સ્થાનિક ધારાસભ્ય સર્વ સમાજને સાથે લઈને ચાલી રહ્યા છે અને પક્ષનું કામ મજબૂતીથી કરી રહ્યા છે. જો મારી સામે ભ્રષ્ટાચાર કે ભાજપ અથવા અન્ય કોઈ સાથે સાઠગાંઠનો એક પણ આરોપ સાબિત થઈ જાય, તો હું તે જ ક્ષણે જાહેર જીવન છોડી દઈશ.

આ પણ વાંચો : Surat BRTS સ્ટેન્ડ પર વિચિત્ર કિસ્સો, વીડિયો ઉતારી ધમકી આપનાર મહિલા હોમગાર્ડનો યુવકે મોબાઈલ તોડી નાખ્યો