પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આદ્યશક્તિ મા જગદંબાની આરાધનાના નવલા નોરતાનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આવનાર તમામ નવ નોરતા દરમ્યાન માં અંબાની આરાધના રૂપી ગરબે રમવા માટે ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. પાટણ શહેરમાં શેરી ગરબાની સાથે સાથે કોમર્શિયલ ધોરણે યોજાતા નવરાત્રિ મહોત્સવની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાથોસાથ જીલ્લાના અન્ય શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ યોજાતા પારંપારિક નવરાત્રી પર્વની તમામ તૈયારીઓ પૂર્ણ કરીને નવરાત્રીના વધામણાં કરવા માટે માં અંબાજીના શ્રાદ્ધાળુઓ આતુર બન્યા છે. જીલ્લામાં નવરાત્રીની મહિનાઓથી રાહ જોઈ રહેલા ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જીલ્લાના વિવિધ બજારોમાં નવરાત્રિને લઈને ચણીયાચોળી, કેડીયુ, મોજડી, ટ્રેડિશનલ કપડાં નવરાત્રિમાં ચાચરચોક અને ગબ્બરને સજાવવા માટે રંગબેરંગી લાઈટીંગ અને વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓનું વેચાણ ચાલી રહ્યું છે. બીજી તરફ ખેલૈયાઓને ગરબે ઘુમાડવા માટે મહોલ્લા, પોળો, શેરીઓ તેમજ સોસાયટીઓમાં નવલા નોરતા માટે આયોજકો દ્વારા ચાચર ચોકને સજાવવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.



  • Follow us on: