હારીજ તાલુકાના જુનામાંકા ગામના રિક્ષા ચલાવતા પરિવારને રૂપિયા 2 લાખની જરૂર પડતાં તેમણે ગામના પરિચિત વ્યક્તિ પાસે હાથ ઉછીના પૈસાની માંગણી કરતા તેણે અન્ય એક અમદાવાદનો ઈસમ બેંકમાં નોકરી કરે છે અને જીલ્લા ઉદ્યોગની સબસિડી વાળી લોન કરી આપશે કહી તેનો સંપર્ક કરાવતા અમદાવાદના ઈસમે રિક્ષા ચાલકને અમદાવાદ બોલાવી બેંકમાં ખાતું ખોલાવી જરૂરી દસ્તાવેજો લઈને લોન થઈ જશે તેવી હૈયાધારણા આપી હતી અને થોડા દિવસો બાદ ફરીથી ફોન કરી તમારી ચેકબુક આવી ગઈ છે ઓફ્સિ પર આવી અને સહી કરી જાઓ તેમ કહેતા સહી કરી હતી ત્યારબાદ લોનની ઉઘરાણી કરી હતી અને થોડો સમય વિસ્તાર ડોક્યુમેન્ટ પાછા માગતા અમુક ડોક્યુમેન્ટ પરત આપ્યા ન હતા અને ત્યારબાદ જૂન મહિનામાં પાટણ ઇન્કમટેક્સ ઓફ્સિથી ફોન આવ્યો હતો અને સમગ્ર કાંડ બહાર આવ્યું હોવાનું ફરીયાદમાં જણાવ્યું છે.
હારીજ તાલુકાના જુનામાંકા ગામના અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રોહિત પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત વર્ષ 2020 માં તેમના પિતાએ ગામના પરિચિત શંકરભાઈ દેસાઈ પાસે દવાખાના માટે અંદાજે 2 લાખની જરૂર પડતાં માંગ્યા હતા. જેથી શંકરભાઈએ તેમની પાસે ન હોય પરંતુ જીલ્લા ઉદ્યોગની સબસિડી વાળી લોન કરાવી આપીશ તેમ જણાવી મારા ઓળખીતા અમદાવાદ બેંકમાં નોકરી કરે છે હું કહું ત્યારે મળજો એમ કહ્યા બાદ એક દિવસ શંકરભાઈ અમદાવાદ ગયા ત્યારે રોહિત પરમારને બોલાવી તારૂં ખાતું ખોલવાનું છે કહી જરૂરી દસ્તાવેજો સાથે એક ઓફ્સિમાં લઈ ગયાં હતાં જ્યાં કોઈ ઠક્કરભાઈ નામના શખ્સને ફોન કરતા ત્રણ ચાર ઈસમોએ આવી સહીઓ કરાવી અને ઠક્કરભાઈ આવે ત્યારે ઓફ્સિમાં આવી જજો તેમ કહેતાં ઘરે આવ્યા હતા. થોડા દિવસો પછી શંકરભાઈએ ફોન કરી ચેક બુકો ઓફીસ આવી ગઈ છે આવીને સહીઓ કરવાનું કહેતા ઓફ્સિ પર પહોંચી સહીઓ કરી હતી અને તેમણે લોન પાસ થઈ જશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ લોન પાસ ન થતાં ડોક્યુમેન્ટ પાછા માગતા તેમણે આધારકાર્ડ, પાનકાર્ડ અને ચુંટણી કાર્ડ પાછું આપ્યું હતું પણ બાકીના ડોક્યુમેન્ટ પાછા ન આપ્યા હતા. ત્યારબાદ 4 જુને રોહિત પરમાર પર ઈન્કમટેકસ વિભાગ પાટણથી ફોન આવ્યો હતો અને તેમણે હું જુનામાંકા ગામે તમારા નામની નોટીસ આપવા આવ્યો છું કહેતા રોહિત પરમારે મારી શેની નોટીસ છે પુછતાં તેમણે વોટ્સએપ પર મોકલતા નોટીસ ચેક કરાવતાં જાણ થઈ હતી કે તેમના નામે ઉમા ટ્રેડર્સ નામની પેઢી ખુલેલી છે અને તેમનું ખાતું IDBI બેંકમાં ખુલેલું છે જેમાં તારીખ 3/11/2020 થી 7/9/2021 સુધી વપરાયેલ છે અને સને 2021-22 વર્ષમાં ખાતામાં રૂપિયા 35,47,70,000 નો વ્યવહાર થયો હોવાથી ઈન્કમટેકસ વિભાગ દ્વારા વધું ટ્રાન્જેક્શનના કારણે નોટીસ આપી છે.










