રાધનપુરથી મહેસાણા અને પાટણને જોડતો ગોચનાદ ગામ નજીક આવેલો બનાસનદી પરનો મહત્વનો બ્રિજ જર્જરિત બનતાં તંત્ર દ્વારા તેને ભારે વાહનો માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના પગલે કચ્છ, રાધનપુર, મહેસાણા, વડોદરા અને અમદાવાદ તરફ જતાં તમામ મોટા વાહનો (ટ્રક, ટેન્કર, સરકારી બસો વગેરે)નો રૂટ રાધનપુરથી પાટણ બાયપાસ માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જોકે, આ ડાયવર્ટેડ માર્ગની હાલત અત્યંત ખરાબ અને ભયજનક બની છે.


રાધનપુર બાયપાસ રોડ બિસ્માર

માર્ગ પરના અસંખ્ય અને મોટા ખાડાઓ જોઈને એવું લાગે છે કે જાણે રોડ પર ખાડા નથી, પરંતુ ખાડામાં રોડ બનાવવામાં આવ્યો હોય. માર્ગની આ સ્થિતિને કારણે વાહનચાલકોને અત્યંત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તો એટલો બિસ્માર છે કે વાહનો અહીંથી પસાર થતાં "ડિસ્કો" કરતા હોય તેવી સ્થિતિ સર્જાય છે. સ્થાનિકો આ માર્ગને "મગરમચ્છની પીઠ" સમાન રસ્તો ગણાવી રહ્યા છે.

પાટણ બાયપાસ માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યો

ચોમાસામાં પડેલા ભારે વરસાદ બાદ પણ છેલ્લા બે મહિના વીતી ગયા છતાં આ સર્વિસ રોડ પર કોઈ પણ પ્રકારની મરામત કામગીરી કરવામાં આવી નથી. રોડની આ હાલત કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાની કામગીરી અને ભ્રષ્ટાચારના પૂરાવા તરફ ઈશારો કરે છે. માર્ગ પર ઠેર ઠેર કપચીઓ બહાર આવી ગઈ છે, જેના કારણે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. વાહનચાલકો જીવના જોખમે આ માર્ગ પસાર કરવા મજબૂર બન્યા છે. માર્ગની બાજુમાં વસવાટ કરતા લોકો પણ અકસ્માતના ભયથી પીડાઈ રહ્યા છે, તેમને ડર છે કે જો કોઈ વાહન ખાડાને કારણે પલ્ટી મારશે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

 દૈનિક મુસાફરી કરતા લોકોને હાલાકી

જર્જરિત બ્રિજના કારણે પાટણથી જતી સરકારી બસો અને અન્ય મોટા વાહનોનો રૂટ હવે હારીજ, રોડા, નાનાપુરા થી સિનાડ થઈને રાધનપુર તરફ અને એ જ રીતે કચ્છ તરફથી આવતા વાહનો રાધનપુર, સિનાડ, નાનાપુરા, કામલપુર, રોડા, દુનાવાડા થઈને પાટણ તરફ ડાયવર્ટ કરાયો છે. સ્થાનિકો અને વાહનચાલકોની તંત્ર પાસે એક જ માગ છે કે યુદ્ધના ધોરણે આ બિસ્માર બાયપાસ માર્ગનું રિપેરિંગ કાર્ય હાથ ધરવામાં આવે, જેથી કરીને દૈનિક મુસાફરી કરતા લોકોને હાલાકીમાંથી મુક્તિ મળે અને સંભવિત અકસ્માતો ટાળી શકાય.

  • Follow us on: