વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાના વાવ-થરાદ જિલ્લાના પ્રવાસે આવ્યા છે, જ્યાં તેમણે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે લગભગ રૂપિયા 19,800 કરોડના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી, જે વિસ્તારમાં આધુનિક સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવશે.

વડાપ્રધાન મોદીએ વાવ-થરાદના નાણીમાં જાહેરસભામાં સંબોધનની શરૂઆત પહેલા કહ્યું કે નવરાત્રિ પૂર્ણ થઈ અને મને બનાસકાંઠામાં આવવાની તક મળી, હું માં અંબાના ચરણોને પ્રણામ કરું છે. મને સીધા ડિસા એરપોર્ટ પર ઉતરવાની તક મળી. ડિસા એરપોર્ટ આંતરરાષ્ટ્રીય સરહદથી 130 કિલોમીટર દૂર છે.

વડાપ્રધાને કોંગ્રેસ પર કર્યા પ્રહારો

વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે ડિસામાં એરપોર્ટ બનાવવાની કામગીરી આજે નહીં પણ હું જ્યારે મુખ્યપ્રધાન હતો, ત્યારથી શરૂ કરવામાં આવી હતી પણ દિલ્હીમાં તે સમયે બેઠેલી સરકારે કોઈ કામ કર્યું નહીં અને ફાઈલો ધૂળ ખાઈ રહી હતી પણ તમે લોકોએ મને વડાપ્રધાન બનાવીને દિલ્હી મોકલ્યો અને ત્યારબાદ મેં આ ફાઈલો કાઢી અને બાકી રહેલા કામો પૂર્ણ કરવાનું શરૂ કર્યું અને આજે આ કામ પૂર્ણ થઈ રહ્યા છે.

વડાપ્રધાને ભૂતકાળના દિવસો કર્યા યાદ

વડાપ્રધાને બનાસકાંઠામાં ભૂતકાળના દિવસો યાદ કરીને કહ્યું કે અહીંનું ઘી, ગોળ, લસણની ચટણી, તાજુ માખણ અને તમારો પ્રેમ ક્યારેય ભૂલી નહીં શકું. તમે મને પરિવારના એક દીકરાની જેમ મોટો કર્યો છે. હવે તમારા આ પ્રેમને વિકાસ રૂપે આગળ વધારીને વ્યાજ સહિત ચૂકવવાની મહેનત કરું છું.

લોકોએ વડાપ્રધાનના આગમનને ઉત્સાહપૂર્વક આવકાર્યો

નાણી ખાતે યોજાયેલી જાહેરસભામાં વડાપ્રધાને જનતાને સંબોધતા વિકાસ, રોજગાર અને સુવિધાઓ વધારવાના સંકલ્પને દોહરાવ્યો. તેમણે જણાવ્યું કે સરકાર ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં સમાન વિકાસ માટે પ્રતિબદ્ધ છે. સ્થાનિક લોકોએ પણ વડાપ્રધાનના આગમનને ઉત્સાહપૂર્વક આવકાર્યો હતો.

આ પણ વાંચો : Banaskanthaમાં હર્ષ સંઘવીનો હુંકાર: બનાસ ડેરીના માધ્યમથી પશુપાલકોના જીવનમાં આવ્યો મોટો બદલાવ