ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા આગામી રણનીતિઓ ઘડાઈ રહી છે ત્યારે સાધુ-સંતો અને આગેવાનોના નિવેદનોથી રાજકારણ ગરમાયું છે. ઋષિ ભારતી દ્વારા તાજેતરમાં પબુભા માણેક (Pabubha Manek) ના નિવેદનને ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતના CM પદે કોળી સમાજના નેતાની માંગ બિલકુલ વ્યાજબી છે. રાજ્યમાં સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને હવે સત્તાના શીર્ષ સ્થાને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેવી માંગ પ્રબળ બની રહી છે.

'કોળી-ઠાકોર સમાજના 1.30 કરોડ મતદારો છે, છતાં સારા મંત્રીપદો નથી અપાયા'

રાજ્યમાં જ્ઞાતિ આધારિત વોટ બેંક અને રાજકીય ભાગીદારી અંગે વાત કરતા ઋષિ ભારતીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજની વસ્તી ખૂબ મોટી છે અને આશરે 1.30 કરોડ જેટલા મતદારો આ સમાજના છે. તેમ છતાં શાસન કે પક્ષમાં આ સમાજને જોઇએ તેટલા સારા અને વજનદાર મંત્રીપદો આપવામાં આવ્યા નથી. અત્યાર સુધીના ઇતિહાસ પર નજર કરીએ તો સૌથી વધુ CMઓ પાટીદાર (પટેલ) સમાજના થયા છે, ત્યારે હવે અન્ય મોટા સમાજોને પણ સમાન અવસર મળવો જોઈએ તેવી વ્યાપક ચર્ચા ચાલી રહી છે.

કુંવરજી બાવળિયામાં CM બનવાની લાયકાત

આ નિવેદન દરમિયાન દિગ્ગજ નેતા અને મંત્રી કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya) ની ક્ષમતાના વખાણ કરવામાં આવ્યા છે. ઋષિ ભારતીએ દાવો કર્યો છે કે કુંવરજી બાવળિયામાં ગુજરાતના CM બનવાની પૂરેપૂરી લાયકાત અને અનુભવ રહેલો છે. ભાજપ સરકાર પર સીધા પ્રહાર કરતા એવું પણ જણાવાયું છે કે આટલી મોટી જનસંખ્યા ધરાવતા કોળી-ઠાકોર સમાજને પૂરતું રાજકીય વજન ન આપીને ક્યાંક ને ક્યાંક અન્યાય કરવામાં આવી રહ્યો છે, જેને લઈને આગામી સમયમાં રાજકીય સમીકરણો પર મોટી અસર પડી શકે છે.

આ પણ વાંચો : Vadodara SSG હોસ્પિટલમાં દર્દીઓની હાલાકીનો વીડિયો વાયરલ, RMOએ તપાસ કરી કડક પગલાં ભરવાની આપી ખાતરી