ગુજરાતના રાજકારણમાં કોળી સમાજને મુખ્યમંત્રી પદ મળે તેવી માગ ફરી ચર્ચામાં આવી છે. પાલીતાણા ખાતે યોજાયેલા કોળી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં જૂનાગઢના કોળી સમાજના આગેવાન રાજુભાઈ વંશે સમાજને રાજકીય રીતે જાગૃત થવાની હાંકલ કરી હતી. તેમણે રાજકીય પ્રતિનિધિત્વમાં કોળી સમાજને અન્યાય થતો હોવાની વાત રજૂ કરી હતી.
3 કરોડની વસ્તી છતાં યોગ્ય પ્રતિનિધિત્વ નહીં હોવાનો દાવો
રાજુભાઈ વંશે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે 3 કરોડની વસ્તી ધરાવતા કોળી સમાજને રાજકીય રીતે યોગ્ય ન્યાય મળવો જોઈએ. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આટલી મોટી વસ્તી ધરાવતા સમાજને માત્ર 2 મંત્રી જ કેમ આપવામાં આવ્યા છે? સમાજને સત્તા અને રાજકીય પ્રતિનિધિત્વમાં યોગ્ય સ્થાન મળવું જોઈએ તેવી તેમણે માગ કરી હતી.
નાયબ મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓના મુદ્દે સવાલ
પોતાના નિવેદનમાં તેમણે અન્ય સમાજોના રાજકીય પ્રતિનિધિત્વનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે 2 ટકા વસ્તી ધરાવતા સમાજના વ્યક્તિ નાયબ મુખ્યમંત્રી બને છે, જ્યારે 15 ટકા વસ્તી ધરાવતા સમાજના ચાર-ચાર કેબિનેટ મંત્રીઓ બને છે. આ સ્થિતિનો ઉલ્લેખ કરીને તેમણે કોળી સમાજને મળતા રાજકીય પ્રતિનિધિત્વ અંગે સવાલો ઊભા કર્યા હતા.
સમાજને હક અને અધિકારો માટે જાગૃત થવાની હાકલ
રાજુભાઈ વંશે કોળી સમાજના લોકોને પોતાના હક અને અધિકારો માટે જાગૃત થવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સમાજે સંગઠિત બનીને રાજકીય ક્ષેત્રે પોતાનો અવાજ મજબૂત બનાવવો જોઈએ તેવી હાંકલ પણ તેમણે કરી હતી.
ભાજપના આગેવાનોની ઉપસ્થિતિ
પાલીતાણામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય ભીખા બારૈયા, જિલ્લા ભાજપ મહામંત્રી ગોપાલ વાઘેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોળી સમાજના રાજકીય પ્રતિનિધિત્વ અને મુખ્યમંત્રી પદની માગને લઈને રાજુભાઈ વંશના નિવેદન બાદ આ મુદ્દો રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો : Patidar Andolan : આનંદીબેનની માફી માગવાના નિવેદન પર પાટીદાર આગેવાનોમાં મતભેદ, ચિરાગ અને લાલજી પટેલે ઉઠાવ્યા સવાલો