સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના મોટા ભાગના સ્ટાર પ્રચારકોએ ઉનાળાના આકરા તાપમાં પરસેવો જ પાડ્યો ન હતો.એમાંય જૂના પ્રદેશ નેતાઓ તો શહેરી વિસ્તારોમાં ખાસ ડોકાયા નહોતા કે કોઈ ખાસ ઝંઝાવાતી પ્રચાર કર્યો ન હતો.બીજી તરફ ભાજપ માટે ખુદ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખે જ 50 જેટલી ચૂંટણી સભાઓ ગજવી હતી. પરંતુ આ ચૂંટણીમાં રાહુલ ગાંધીના રેસના ઘોડા રીત સરના કામચોર નીકળ્યા હોવાની વિગતો સામે આવી છે.

કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ક્યાંય દેખાયા જ નહીં

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અમદાવાદમાં ત્રણ ચાર ઠેકાણે સભા કરી હતી.આ સિવાય પોતાના મધ્યગુજરાતના ગઢને બાદ કરતાં આખા ગુજરાતમાં છેલ્લી ઘડીએ પક્ષ માટે ખાસ પ્રચાર કર્યો ન હતો. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી વડોદરા, ખેડબ્રહ્મા પૂરતા સીમિત રહ્યા હતા, અરવલ્લી, સાબરકાંઠામાં પણ તેમણે ખાસ પ્રચાર કર્યો ન હતો, ખેડબ્રહ્માની જિલ્લા પંચાયતની 10 સીટોમાંથી કોંગ્રેસને ફાળે માંડ એક બેઠક આવી છે, તો વિજયનગર, પોશીના, ખેડબ્રહ્મા તાલુકા પંચાયત એમ ત્રણેયમાં કોંગ્રેસની હાર થઈ છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી આણંદ ખેડામાંથી બહાર જ આવ્યા નહોતા.

મોટાભાગના ઉમેદવારોને હારનો સામનો કરવો પડયો

પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અમદાવાદમાં બે ત્રણ સભા અને એકાદ દિવસ ભાવનગરમાં પ્રચાર કર્યો હતો, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર પણ જાણે અમદાવાદ-દહેગામ ક્ષેત્રથી બહાર આવ્યા નહોતા, પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ ડભોઈ આસપાસ, પૂર્વ પ્રમુખ પરેશ ધાનાણી અમરેલી ક્ષેત્ર આસપાસ જ પડ્યા પાથર્યા રહ્યા હતા. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પ્રચાર કર્યો પણ તેમના મોટાભાગના ઉમેદવારોને હારનો સામનો કરવો પડયો છે.

આ પણ વાંચોઃ Gujarat Local body election: ચૂંટણીમાં હાર્યા કે જીત્યા હોય ખર્ચનો હિસાબ તો આપવો જ પડશે