ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના પદ માટે ચાલી રહેલી લાંબી અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયો છે. રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ ઔપચારિક રીતે આ પદ માટે પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે. તેમણે ચૂંટણી અધિકારી ઉદય કાનગડને નિયત સમયમાં ફોર્મ સુપરત કર્યું હતું. સૌથી મહત્વની વાત એ છે કે, આ પદ માટે અન્ય કોઈ નેતાએ ઉમેદવારી ફોર્મ ભર્યું નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે જગદીશ વિશ્વકર્માની બિનહરીફ નિયુક્તિ થવી લગભગ નિશ્ચિત છે.


રાષ્ટ્રીય પરિષદના સભ્ય માટે 39 ફોર્મ ભરાયા

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ માટેની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ થયો છે. મંત્રી જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ અધ્યક્ષ માટેનું ફોર્મ ભર્યું છે. જ્યારે રાષ્ટ્રીય પરિષદ સભ્ય પદ માટે પણ ફોર્મ ભરાયા છે. પ્રદેશ અધ્યક્ષ માટે એક અને રાષ્ટ્રીય પરિષદના સભ્ય માટે 39 ફોર્મ ભરાયા છે. તમામ સભ્યો સાથે એક એક ટેકેદારે પણ ફોર્મ ભર્યા છે.

ગુજરાત ભાજપના સંગઠનમાં નવા ઉત્સાહનો સંચાર

મંત્રી જગદીશ વિશ્વકર્મા રાજ્યમાં ઓબીસી સમાજના એક મજબૂત અને લોકપ્રિય ચહેરા તરીકે ઓળખાય છે.તેમની નિયુક્તિને ભાજપની સામાજિક સમીકરણો સાધવાની વ્યૂહરચનાના ભાગરૂપે જોવામાં આવી રહી છે. જગદીશ વિશ્વકર્માની પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિથી ગુજરાત ભાજપના સંગઠનમાં નવા ઉત્સાહનો સંચાર થવાની સંભાવના છે.મંત્રી તરીકેની જવાબદારી સાથે હવે તેઓ સંગઠનના વડા તરીકેની ભૂમિકા ભજવશે.આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, વિશ્વકર્માએ સંગઠનને વધુ મજબૂત બનાવીને કાર્યકરોને એક તાંતણે બાંધવાની મોટી જવાબદારી નિભાવવાની રહેશે.


  • Follow us on: