બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. બનાસ ડેરીમાં ડિરેક્ટર બનવા માટે નેતાઓ સક્રિય થઈ ગયાં છે. ભાજપના નેતાઓ મેદાનમાં ઉતર્યા છે જેના કારણે સહકારી ક્ષેત્રમાં હલચલ વધી છે. પૂર્વ ધારાસભ્ય અને સાંસદ પણ ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે. ડિરેક્ટર બનવા માટે ભાજપના નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. વડગામ બેઠક પર આંતરિક ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. દાંતીવાડા બેઠક પર દાવેદારોની સંખ્યા પણ વધી છે.
બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપ કોને મેન્ડેડ આપશે
બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપ કોને મેન્ડેડ આપશે એની અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ચર્ચાઓ દરમિયાન થરા માર્કેટ યાર્ડ અને બનાસ ડેરીના પૂર્વ ચેરમેન અણદા પટેલે શિહોરી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. તેમણે ભાજપ તેમને મેન્ડેડ આપશે તેવી આશા સેવી હતી. આ ઉપરાંત પાલનપુર બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પણ મેદાનમાં ઉતરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ભાજપ સામે ભાજપની ટક્કર થાય તેવી સ્થિતિ આ ચૂંટણીમાં જોવા મળી રહી છે. ભાજપના જ દિગ્ગજો એક બીજા સામે ચૂંટણી લડવા મેદાનમાં ઉતરી રહ્યાં હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.












