બનાસકાંઠાના સાંસદ અને કૉંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરે વાવ-થરાદ વિસ્તારમાં 'જન આક્રોશ યાત્રા'ની જનસભામાં હાજરી આપી હતી, જ્યાં તેમણે SIR (સ્પેશિયલ સમરી રિવિઝન - મતદાર યાદી સુધારણા)ની ચાલી રહેલી કામગીરીના મામલે સરકાર અને સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. ધરણીધર તાલુકાના ઢીમા ગામે આયોજિત જનસભામાં બોલતા ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે વર્તમાન મતદાર યાદી સુધારણા પ્રક્રિયા પ્રમાણે જો યોગ્ય ધ્યાન નહીં અપાય, તો આપણે કોઈ મતદાર નહીં થાય અને વોટનો અધિકાર ગુમાવવાનો વારો આવશે.


સાંસદની સમર્થકોને અપીલ

સાંસદ ગેનીબેન ઠાકોરે સત્તાધારી પક્ષ પર સીધો અને સણસણતો આરોપ લગાવતા જણાવ્યું કે અમુક પાર્ટીઓ (સત્તાધારી પક્ષનો ઈશારો) એવી રીતે કામગીરી કરાવી રહી છે કે 'કૉંગ્રેસના મતદારોના કઈ રીતે ઓછા ફોર્મ ભરાય અને તેમના નામ યાદીમાંથી કઈ રીતે કપાવા જોઈએ તેવું કરજો.' તેમણે આ પ્રક્રિયાને રાજકીય ષડયંત્ર ગણાવીને સરકારને આડેહાથ લીધી હતી. ગેનીબેન ઠાકોરે પોતાના સમર્થકો અને કૉંગ્રેસના કાર્યકરોને આ મામલે અત્યંત સતર્ક રહેવાની અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "કોઈપણ લાયક મતદાર મતદાર યાદીમાંથી રહી ન જાય કે કપાઈ ન જાય, તેનું ખાસ ધ્યાન રાખજો." આ નિવેદનથી મતદાર યાદી સુધારણાની કામગીરી પર હવે રાજકારણ ગરમાયું છે અને વિપક્ષે આ મામલે લડત ચલાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.


  • Follow us on: