બોટાદ જિલ્લાના ગઢડા શહેરના રાજકારણમાં નગરપાલિકાના પ્રમુખે રાજીનામું આપતા ભારે ગરમાવો આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ દ્વારા માત્ર છ જ માસના ટૂંકા ગાળામાં રાજીનામું આપી દેવામાં આવતા રાજકીય વિરોધીઓ ખાસ કરીને કોંગ્રેસને ભાજપ પર પ્રહાર કરવાની તક મળી છે. ગઢડા શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોર વેલાણીએ આ રાજીનામાના મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કિશોર વેલાણીએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકામાં ભાજપમાં વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે.
નપા પ્રમુખે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું
જેના કારણે પ્રમુખે રાજીનામું આપવાની ફરજ પડી છે. કિશોર વેલાણીએ માત્ર આંતરિક વિખવાદ જ નહીં પરંતુ ભારે ભ્રષ્ટાચાર થઈ રહ્યા હોવાના પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે નગરપાલિકા દ્વારા શહેરમાં કોઈ કામ થતાં નથી, નપાના સભ્યો જ પોતે કોન્ટ્રાક્ટર બનીને જાતે જ કામો કરીને મોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે.













