દાહોદ જિલ્લા પંચાયતની પિપેરો બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણ પાર્ટીના એક જ ઉમેદવારે ફોર્મ ભર્યું હોવાની વિચિત્ર ઘટના સામે આવી છે, એ જ રીતે અરવલ્લીના ધનસુરા તાલુકા પંચાયતની બેઠકમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ફોર્મ એક જ ઉમેદવારે ભર્યા હોવાનું સામે આવ્યું છે.આ તરફ સૂત્રો દાવો કરે છે કે, નિયમ મુજબ સૌથી પહેલા જે પાર્ટીમાં ફોર્મ ભર્યું હશે તે ઉમેદવારી ફોર્મ માન્ય રહેશે. દાહોદના ઉમેદવાર અત્યાર ગાયબ હોવાનું કહેવાઈ રહ્યું છે.

ધનસુરામાં બે પક્ષના મેન્ડેટ મળ્યા

ધનસુરા ખાતેથી પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ધનસુરા તાલુકા પંચાયતની રમોશ બેઠક બેઠક પર ભીખુસિંહ અર્જુનસિંહ ચૌહાણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ બંને પક્ષમાંથી મેન્ડેટ લઈ આવ્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા વખતે ચૂંટણી અધિકારીને આ ઉમેદવારે બંને પક્ષના ઉમેદવારી ફોર્મ આપ્યા છે. ધનસુરા પહેલેથી જ પેપર લીક મામલે, છેતરપિંડી, ડેરીમાં નોકરી સામે જમીન જેવા મુદ્દે ખૂબજ ચર્ચામાં રહ્યું છે.

દાહોદમાં એક જ ઉમેદવારને ત્રણેય પાર્ટીઓએ ટિકિટ આપી

આવો જ એક અન્ય કિસ્સો દાહોદમાં બન્યો છે. જેમાં દાહોદ જિલ્લા પંચાયતની પીપેરો બેઠક પર ભારતસિંહ વાખળાએ તો ત્રણ ત્રણ પક્ષમાંથી ફોર્મ ભર્યા છે અને ચૂંટણી અધિકારીએ તેને સ્વીકાર્યા છે. નવાઈની વાત તો એ છે કે, એક જ ઉમેદવારને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે, આ ઉમેદવાર અન્ય પાર્ટીઓ પાસેથી પણ મેન્ડેટ લઈ આવ્યા છે તો સવાલ એ થાય છે કે આ પક્ષો ખરેખર અંધારામાં રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ કે અન્ય પક્ષના આગેવાનોને તેની ગંધ પણ ના આવી તેને લઈને સવાલો ઊઠ્યા છે. ઉલ્લેખનીય છે કે, પિપેરો બેઠક પૂર્વ મંત્રી બચુ ખાબડનો ગઢ મનાય છે. હવે આગામી દિવસોમાં નિયમ પ્રમાણે જે ફોર્મ પહેલું ભરાયું હશે તે માન્ય રાખવામાં આવશે.


આ પણ વાંચોઃ Local Body Elections 2026: ખેડા જિલ્લામાં ભાજપનો દબદબો,11 બેઠકો પર બિનહરીફ વિજય