ગુજરાતમાં એક તરફ ભાજપની સરકારના નવા મંત્રીઓની શપથવિધિ યોજાઈ છે. બીજી બાજુ ભાજપ શાસિત દેવગઢ બારિયા નગર પાલિકામાં મોટો અપસેટ સર્જાયો છે. નગર પાલિકાના પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. જેમાં પ્રમુખની સામે સમર્થન આપી ભાજપના વ્હીપનો અનાદર કરનારા ભાજપના 6 નગરસેવકોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

નપા પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર

આજે દેવઘઢ બારિયા નગર પાલિકામાં પ્રમુખ ધર્મેશ કલાલ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. પાલિકાના નિયમો પ્રમાણે આ દરખાસ્ત પસાર કરવા માટે બે-તૃતીયાંશ સભ્યોનું સમર્થન જરૂરી છે. ચીફ ઓફિસર દ્વારા 15 દિવસમાં આ દરખાસ્ત પર ચર્ચા કરવા વિશેષ સામાન્ય સભા બોલાવવા માટે પ્રમુખને જાણ કરાઈ હતી.ત્યારે હવે પાલિકામાં મોટો અપસેટ સર્જાયો છે.પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે.

ભાજપની 13 સભ્યોની બહુમતી છતા દરખાસ્ત મંજૂર

દેવગઢ નગર પાલિકાના 24 સભ્યોમાંથી 16 સભ્યોએ આ દરખાસ્તને સમર્થન આપ્યું છે. જેમાં અપક્ષના સાત, કોંગ્રેસના બે અને ભાજપના 6 સભ્યોનું સમર્થન પ્રાપ્ત થયું છે. ભાજપના 13 સભ્યોની બહુમતિ હોવા છતાં આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. ત્યારે ભાજપ દ્વારા પક્ષના વ્હીપનો અનાદર કરનારા 6 નગર સેવકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પાલિકાના પૂર્વ પ્રમુખના પતિ નીલ સોની સહિત 6 નગર સેવકોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે.