રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ભાજપના એક વરિષ્ઠ નેતાના વિવાદિત નિવેદને રાજકીય આલમમાં ખળભળાટ મચાવી દીધો છે. ધોરાજીના સુપેડી ગામ ખાતે તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પોરબંદરના ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે મર્યાદા ઓળંગી પંડિત જવાહરલાલ નહેરુ અને ગાંધી પરિવાર વિશે વિવાદિત ટિપ્પણી કરી છે.
સત્તાના નશામાં બેફામ નિવેદન
ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોને સંબોધતા હરિ પટેલે ઈતિહાસ અને વ્યક્તિગત ઓળખ અંગે વિવાદાસ્પદ દાવા કર્યા હતા. તેમણે જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે, "પંડિત જવાહરલાલ નહેરુ કોઈ પંડિત પરિવારમાંથી નહીં, પરંતુ મુસ્લિમ સમાજમાંથી આવતા હતા."
સમગ્ર ગાંધી પરિવાર પર નિશાન
હરિ પટેલ અહીં જ અટક્યા નહોતા, તેમણે આગળ વધતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના સમગ્ર ગાંધી પરિવારને પણ મુસ્લિમ ગણાવ્યા હતા. એક તરફ જ્યારે ભાજપ શિસ્ત અને વિકાસની વાત કરી રહ્યું છે, ત્યારે પૂર્વ સાંસદના આવા પાયાવિહોણા અને વિવાદિત નિવેદનથી સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
રાજકીય ગરમાવો
ચૂંટણી ટાણે જ પૂર્વ સાંસદ દ્વારા કરવામાં આવેલા આ આક્ષેપોને પગલે વિપક્ષ દ્વારા પણ આકરા પ્રત્યાઘાતો પડવાની શક્યતા છે. સુપેડીમાં બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થતા લોકોમાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. શું સત્તાના નશામાં નેતાઓ ઈતિહાસ અને ગરિમા ભૂલી રહ્યા છે? તેવા સવાલો અત્યારે સોશિયલ મીડિયા પર ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો:Rajkot: જૂની અદાવતનો લોહિયાળ અંજામ, રુડ ચોક પાસે યુવક પર છરી વડે જીવલેણ હુમલો