પાટનગર ગાંધીનગરમાં નાગરિકોને પાયભૂત સુવિધાઓ મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગાંધીનગર શહેરના જૂના સેક્ટરોથી લઈને નવા સમાવિષ્ટ વિસ્તારો સુધી રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા અને શુદ્ધ પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો અધૂરી જોવા મળી રહી છે. નવા વિસ્તારોમાં તો સ્ટ્રોમ વોટર લાઈન અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ચોમાસામાં સ્થિતિ વધુ દયનીય બની જાય છે.
કચરા નિકાલ, પ્રદૂષણ અને ડમ્પીંગ સાઈડના પ્રશ્નો
ગાંધીનગર શહેરમાં ઘન કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ સ્પષ્ટ વર્તાઈ રહ્યો છે, જેના કારણે સેક્ટરોની વચ્ચે જ ડમ્પીંગ સાઈડ ઉભી થવાથી રહીશોને દુર્ગંધ અને બીમારીઓનું જોખમ સતાવી રહ્યું છે. આ ઉપરાંત, જૂના સેક્ટરોમાં સાફ-સફાઈના પૂરતા અભાવ અને જીઆઈડીસી વિસ્તારમાં ફેલાતા પ્રદૂષણથી નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે. બીજી તરફ, ફેન્સિંગ અને દીવાલોના કારણે ગેરકાયદે દબાણો વધ્યા છે, અને નાના વેપારીઓને કોર્પોરેશન દ્વારા હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
નવા વિસ્તારોમાં પીવાનું પાણી અને ગેરઆયોજન
ગાંધીનગરના નવા સમાવિષ્ટ વિસ્તારોમાં હજુ સુધી નાગરિકોને પૂરતા પ્રમાણમાં અને શુદ્ધ પીવાનું પાણી મળી રહ્યું નથી. વિકાસના કામોમાં સંકલનનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે. પહેલા નવો રોડ બનાવવામાં આવે છે, અને ત્યારબાદ ગટર કે પાણીની લાઈન નાખવા માટે ફરીથી તે રોડને ખોદી નાખવામાં આવે છે, જેના કારણે પ્રજાના વેરાના નાણાંનો વ્યય થાય છે.

કોંગ્રેસ દ્વારા ભાજપ શાસન પર પ્રહાર
આ ગંભીર મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે, આ ગાંધીનગર શહેરની રચના કોંગ્રેસની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે, જ્યાં અગાઉ દરેક સેક્ટરમાં સુવ્યવસ્થિત દવાખાના, પોલીસ ચોકી અને ઉત્તમ રસ્તાઓ બનાવાયા હતા, પરંતુ કોર્પોરેશન બન્યા બાદ ભાજપના શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર અને અયોગ્ય આયોજન થઈ રહ્યું છે, જેના કારણે પાટનગરની જનતા હાલાકી ભોગવી રહી છે.
આ પણ વાંચો: GMC Election 2026: પાટનગરના રાજકારણમાં ગરમાવો! ભાજપ-કોંગ્રેસના આરોપપ્રત્યારોપ