આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રી મંડળની રચના થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી ગાંધીનગર પરત ફર્યા હતાં. તેમના નિવાસ સ્થાને મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલે હાઈકમાન્ડના નિર્ણયની મંત્રીઓને જાણકારી આપી હતી. ત્યાર બાદ મંત્રીઓ પાસેથી રાજીનામા લેવામાં આવ્યા હતાં. હવે મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે બેઠક કરશે.
મંત્રીઓ પાસેથી રાજીનામા લેવામાં આવ્યા
મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સિવાયના 16 જેટલા મંત્રીઓના રાજીનામા લેવાયા હતાં. મુખ્યમંત્રીએ આ બેઠકમાં હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવેલા નિર્ણયની મંત્રીઓને માહિતી આપી હતી. ત્યાર બાદ મંત્રીઓએ રાજીનામા પત્ર પર હસ્તાક્ષર કરી મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. આ બેઠક પૂર્ણ થયા બાદ મંત્રીઓ ત્યાંથી રવાના થયા હતાં.
મંત્રી બનનારા ધારાસભ્યોને જાણ કરી દેવાઈ
ગુજરાતમાં મંત્રી બનનારા ધારાસભ્યોને જાણ કરી દેવાઈ છે. નવા મંત્રી મંડળની રચના અગાઉ એક બેઠક મળશે. મંત્રી મંડળમાં સમાવિષ્ટ ધારાસભ્યોને આ બેઠકમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જે મંત્રીઓને પડતા મુકવાના છે તેમની સાથે પણ બેઠક કરાશે. હર્ષ સંઘવી સહિતના મંત્રીઓએ આવતીકાલના કાર્યક્રમ અંગે સમીક્ષા કરી છે. આવતીકાલે 12.39 કલાકના વિજય મુહુર્તમાં નવા મંત્રીઓની શપથવિધિ થશે.









