આજે વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદીના પ્રવાસ પહેલા જ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કમલમ ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ટૂંક સમયમાં મંત્રી મંડળનું વિસ્તરણ થશે તેવા સંકેત આપ્યા હોવાનું ભાજપના સુત્રોએ જણાવ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે બેઠકમા કહ્યું હતું કે, મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર નસીબદાર હશે. તેમણે એવી પણ ટકોર કરી હતી કે, આપણે ટૂંક સમયમાં બે વખત મળીશું. તેમણે નજીકના સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ આવશે તેવો ઈશારો કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમણે મંત્રીઓ અને કાર્યકર્તાઓને ભગવાન ગણેશના દર્શન કરવા ટકોર કરી હોવાનું પણ ભાજપના સુત્રોએ જણાવ્યું હતું.
PM મોદીના જન્મદિવસના કાર્યક્રમ અંતર્ગત ચર્ચાઓ
ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલ બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કહ્યું હતું કે, સ્વચ્છતા માટે લોકોને જાગૃત કર્યા છે. PM મોદીના જન્મદિવસના કાર્યક્રમ અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયું ઉજવાશે. 25 સપ્ટેબરે દીનદયાળજીની જન્મ જયંતી આવે છે. આ વખતે પણ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પ થશે. ધારાસભ્યો અને સાંસદો જરૂરિયાતમંદ દિવ્યાંગોને મદદ કરે તેવી તેમણે અપીલ કરી હતી. આ બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર સહિત ધારાસભ્યો અને સાંસદો પણ હાજર રહ્યા હતાં.
વડાપ્રધાન મોદીના જીવન પર એક પુસ્તક બન્યું
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના જીવન પર એક પુસ્તક બન્યું છે. લોકોએ આ પુસ્તક ખરીદવું જોઈએ. મોદીના જીવન પર એક ડોક્યુમેન્ટ્રી પણ બનાવી છે. જે ગણપતિ મહોત્સવમાં બતાવવામાં આવશે. ઓપરેશન સિંદૂરના કારણે દેશ મજબૂત બન્યો છે.દેશમાં બનેલા શસ્ત્રોથી પાકિસ્તાનને જવાબ આપ્યો છે. સરદાર પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી કરાશે.કરમસદથી સ્ટેટ્યૂ ઓફ યુનિટી સુધી 150 કિ.મીની પદયાત્રા યોજાશે. દરેક જગ્યાઓ પર પદયાત્રાનું સ્વાગત કરાશે. આરએસએસના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતાં તે અંગે તેમણે કહ્યું હતું કે, સંઘને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 4999 સંસ્થાઓ સંઘ ચલાવે છે.









