ગુજરાતમાં સ્થાનિક સ્તરે યોજાયેલી નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) પ્રચંડ જીત મેળવીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ખાસ કરીને પંચમહાલના શહેરા, સાબરકાંઠાના ઈડર અને નર્મદાના તિલકવાડામાં ભાજપે વિરોધ પક્ષોને પરાજિત કરીને વિજયધ્વજ લહેરાવ્યો છે.

શહેરા નગરપાલિકા: 20 વર્ષનું શાસન અને અજેય ગઢ

પંચમહાલ જિલ્લાની શહેરા નગરપાલિકામાં ભાજપે ઇતિહાસ રચ્યો છે. નગરપાલિકાની કુલ 28 બેઠકો માંથી તમામ 28 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. નોંધનીય છે કે, ૨૮ માંથી ૧૭ બેઠકો તો મતદાન પહેલા જ બિનહરીફ થઈ ચુકી હતી, જ્યારે બાકીની ૧૧ બેઠકો માટે યોજાયેલા મતદાનમાં પણ જનતાએ ભાજપ પર જ કળશ ઢોળ્યો છે. શહેરામાં છેલ્લા 20 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન છે અને આ વખતે પણ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે અપક્ષના કોઈ પણ ઉમેદવાર પોતાનું ખાતું ખોલાવી શક્યા નથી. જીત બાદ કાર્યકરોએ ફટાકડા ફોડી અને વિજય સરઘસ કાઢીને હર્ષોલ્લાસ મનાવ્યો હતો.

તિલકવાડા તાલુકા પંચાયત: ૪ બેઠકો પર કેસરીયો

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા પંચાયતની 4 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો છે. વિજેતા ઉમેદવારોમાં:

અગર બેઠક પરથી પ્રિયંકાબેન બારીયા

સાવલી બેઠક પરથી કાંતિભાઈ તડવી

સિંધિયાપુરા બેઠક પરથી જમનાબેન ભીલ

શિરા બેઠક પરથી જ્યોત્સનાબેન ભીલ

આ તમામ ઉમેદવારોએ વિરોધ પક્ષના પ્રતિસ્પર્ધીઓને હાર આપીને પંચાયતમાં ભાજપની પકડ મજબૂત કરી છે.

ઈડર નગરપાલિકા: વોર્ડ નંબર ૪ માં પેનલની જીત

સાબરકાંઠાના ઈડરમાં વોર્ડ નંબર ૪ ની પેટાચૂંટણી અત્યંત રસપ્રદ રહી હતી. અહીં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે સીધો જંગ હતો. જોકે, પરિણામો આવતા જ ભાજપની આખી પેનલ (4 બેઠકો) વિજેતા બની હતી. કોંગ્રેસ અને અપક્ષને એક પણ બેઠક ન મળતા ભાજપના ટેકેદારો અને મતદારોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

આ પણ વાંચોઃ Gujarat Local Body Election Results 2026 Live: બનાસકાંઠાથી તાપી સુધી ભાજપનો કેસરીયો, કોંગ્રેસના સુપડા સાફ?