સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મહેસાણા શહેરમાં હત્યાની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે અંગત અદાવતમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે.


મહેસાણામાં મતદાન પૂર્વે જ લોહિયાળ ખેલ

મહેસાણાની માનવ આશ્રમ ચોકડીથી તાવડિયા રોડ તરફ જઈ રહેલા મિતેન ચૌધરી અને તેના મિત્રો પર 4 થી 5 અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ મિતેન ચૌધરીની ગાડી રોકીને તેના પર તીક્ષ્ણ હથિયાર અને પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મિતેન ચૌધરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે તેનો મિત્ર ધીમન ચૌધરી હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

પોલીસનો કાફલો તૈનાત

ઘટનાની ગંભીરતાને જોતા DYSP અને SP સહિતનો મોટો પોલીસ કાફલો તાવડિયા ગામમાં ઉતારી દેવામાં આવ્યો છે. હાલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

તપાસનો ધમધમાટ

આ મામલે પોલીસ અધિકારી મિલાપ પટેલે જણાવ્યું હતું કે, "મહેસાણા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધીને તપાસ તેજ કરવામાં આવી છે. LCB અને એ-ડિવિઝન પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ સીસીટીવી ફૂટેજ અને CDR એનાલિસિસ દ્વારા આરોપીઓની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે.

આ પણ વાંચો: Gujarat Weather News: આકાશમાંથી વરસશે અગનગોળા, અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં 40 થી 43 ડિગ્રી તાપમાનની શક્યતા

  • Follow us on: