સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મંગળવારે જાહેર થયેલા પરિણામો બાદ મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકોમાંથી 17 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે. જયારે કોંગ્રેસને ત્રણ બેઠકોના નુકશાન સાથે માત્ર 7 બેઠકો પર જીત મેળવી સંતોષ માનવો પડયો છે.બીજી તરફ ભાજપ માટે સિંહ આલા પણ ગઢ ગેલા જેવી સ્થિતિ ચૂંટણી પરિણામો બાદ નિર્માણ થઇ છે.રોટેશન મુજબ આ વખતે મોરબી જિલ્લા પંચાયતનું પ્રમુખપદ એસટી એટલે કે, શેડયુલ ટ્રાઈબલ સભ્ય માટે અનામત છે ત્યારે જિલ્લાની નેકનામ એસટી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હોય ભાજપ મૂંઝવણમાં મુકાયું છે.
કોંગ્રેસ બેઠકો જાળવી રાખવામાં સફળ થઈ
મોરબી જિલ્લા પંચાયતના પરિણામોનું વિશ્લેષણ જોઈએ તો વાંકાનેર તાલુકાની તિથવા બેઠક પર કોંગ્રેસના મહેબુબભાઈ આહમદભાઈ કડીવાર 9999 મતો સાથે સૌથી વધુ મતો મેળવી વિજેતા ઉમેદવાર બન્યા છે.જયારે બગથળા, લુણસર, મહિકા અને પંચાસીયા જેવી બેઠકો પર કોંગ્રેસે જીત મેળવીને પોતાની પરંપરાગત બેઠકો જાળવવામાં સફળ રહી છે.ભાજપે આમરણ, ચરાડવા, જેતપર અને ખાનપર જેવી મહત્વની બેઠકો પર વિજય મેળવીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે.આ ચૂંટણીમાં મહિલા અનામત બેઠકો પર પણ ભાજપનો દેખાવ નોંધપાત્ર રહ્યો છે.













