ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, પરંતુ મતદાન થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ અનેક જિલ્લાઓમાં પોતાની જીત નિશ્ચિત કરી લીધી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિપક્ષ દ્વારા ઉમેદવારી ફોર્મ ન ભરાતા અથવા દાવેદારી પાછી ખેંચાતા ભાજપના અનેક ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
ભરૂચ અને ખેડામાં ભાજપનું ખાતું ખુલ્યું
ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ-2 બેઠક પર ભાજપના ઉમેદવાર ચારુલ પટેલ બિનહરીફ થયા છે. આ બેઠક પર અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતા ભાજપે જીતનો આંકડો શરૂ કર્યો છે. તેવી જ રીતે ખેડા તાલુકા પંચાયતની પરસાતજ બેઠક પરથી ભાજપના રાયસંગભાઈ ગોહિલ બિનહરીફ વિજેતા બન્યા છે. તેમની સામે કોઈએ દાવેદારી ન નોંધાવતા મતદારોમાં અને સમર્થકોમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નવસારીમાં બિનહરીફ બેઠકોનો રાફડો
નવસારી જિલ્લામાં તો ભાજપે ક્લીન સ્વીપ જેવી સ્થિતિ સર્જી છે. અહીં દેવસર અને બિગરી જિલ્લા પંચાયતની બેઠકો બિનહરીફ થઈ છે. આ ઉપરાંત ચીખલીની ઘેજ અને સમરોલી બેઠકો તેમજ ગણદેવી તાલુકા પંચાયતની પણ 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. અન્ય પાર્ટીઓના ફોર્મ ન આવતા ભાજપનો માર્ગ મોકળો બન્યો છે.
પોરબંદરમાં પણ ભાજપનો દબદબો
પોરબંદર તાલુકા પંચાયતમાં પણ ભાજપે મેદાન માર્યું હોવાની ચર્ચા છે. અહીં રાતીયા, ગોસા અને રોજીવાડા બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા હોવાનું મનાય છે. આ જીત સાથે ભાજપે પ્રચારમાં ભારે લીડ મેળવી લીધી છે અને કાર્યકરોમાં જીતનો ભારે આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Local Body Elections 2026: ફોર્મ ભરતી વખતે કોંગ્રેસ ઉમેદવારના પતિને હરિયાણા પોલીસ ઉઠાવી ગઈ, પત્નીએ આપી આત્મહત્યાની ચીમકી!