રાજકોટ મહાપાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતની ચુંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે છેલ્લી ઘડીએ સરકારી તંત્ર દ્વારા મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે ગત ચુંટણી કરતા 50 ટકા મતદાન મથકને સંવેદનશીલ જાહેર કરવામાં આવતા મતદાનના દિવસે ઘર્ષણ ટાળવા સરકારી તંત્ર દ્વારા અત્યારથી જ એકશન પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે.
ગત વખત કરતા 500 બુથનો વધારો
રાજકોટ મહાપાલિકામાં આ વખતે 23 મતદાન મથકોનો વધારો કરવામાં આવ્યો છે.ગત ચુંટણીમાં મહાપાલિકામાં કુલ 991 બુથ હતા તેમાંથી 297 સંવેદનશીલ અને 11 અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હતા.આ વખતે સરકારી તંત્ર દ્વારા ઉમેદવાર જાહેર થયા બાદ સંવેદનશીલ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં ગત વખત કરતા 500 બુથનો વધારો કરવામાં આવ્યો હોવાની માહિતી છે.આ વખતે રાજકોટ મહાપાલિકા સહિત જિલ્લા પંચાયતની અનેક બેઠકોમાં ધુરધર ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે.આ બેઠક ઉપર રાજકીય પક્ષો ઉપરાંત અન્ય લોકોની પણ નજર છે તેવી બેઠકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે.2021માં જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણી દરમિયાન કુલ 9022 મતદાન મથકમાંથી 2409 સંવેદનશીલ અને 720 અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હતા.













