રાજકોટમાં ભાજપમાં ફરી ઉકળાટ શરૂ થયો છે. શહેર ભાજપ સંગઠનમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. માનીતા નેતાઓને હોદ્દા આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહિલા મોરચાએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળવા માટે સમય માંગ્યો છે. 12 મહિલાઓએ 6 પાનાનો પત્ર તૈયાર કર્યો હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ મનમાની કરીને અપમાન કરતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
રાજકોટમાં માનીતા નેતાઓને હોદ્દા આપ્યાનો આક્ષેપ
રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદ ઉકળ્યો હોવાની વિગતો સામે આવી છે. શહેરના પુનિતનગર વિસ્તારમાં મહાનગર પાલિકાના વોર્ડ ઓફિસ અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ ભાવુક થઈ ગયા હતાં. તેમણે કહ્યું હતું કે, મારી છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મને બદનામ કરવામાં આવી રહી છે. સમય આવશે ત્યારે હું ખુલીને બધી વાત કરીશ. લીલુબેન જાદવે મીનાબેન આચાર્ય સાથે મળી ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને સમય માંગ્યો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે અમારા ચોક્કસ લોકો જ અમને બદનામ કરી રહ્યાં છે.
હાલાતો સે હારને વાલા મત સમજના, આજ હવા તેરી હૈ કલ તુફાન હમારા હોગા
અગાઉ ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને લઈને વિવાદ શરૂ થયો હતો. તેમણે તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં અનેક તર્ક વિતર્ક સામે આવ્યા હતાં. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, હાલાતો સે હારને વાલા મત સમજના, આજ હવા તેરી હૈ કલ તુફાન હમારા હોગા. હાથી ચલે બાઝાર કુત્તે ભોંકતે હજાર. તેમણે દિલ્હીથી સાંસદો સાથેના ફોટો પણ પોસ્ટ કર્યા હતાં. તેમની આ પોસ્ટ બાદ રાજકોટ ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે. ભાજપમાં જૂથવાદ વકર્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.









