ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપની ટિકિટ માટે પડાપડી થઈ રહી છે. ત્યારે સુરતમાં ટિકિટ માટે દાવેદારોમાં ઉત્તેજના જોવા મળી છે. સત્તાવાર નામ જાહેર થાય તે પહેલા જ છેક ગાંધીનગર સુધી લોબિંગ શરૂ કરી દેવાયું છે. પોતાનું નામ ફાઈનલ કરવા માટે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. પક્ષ દ્વારા કેટલીક શરતો રાખી હોવા છતાં ઉમેદવારોમાં પડાપડી જોવા મળી રહી છે.
કોનું નામ પેનલમાં રખાયું અને કોનું કપાયું તેની ચર્ચા શરૂ
સુરતમાં ભાજપમાં કયા વોર્ડમાંથી કોનું નામ પેનલમાં રખાયું અને કોનું કપાયું છે તેની ચારેકોર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આગામી 8થી 9 એપ્રિલ સુધીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે. આજથી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળનારી આ બેઠકમાં ભાજપના ઉમેદવારોના નામો અંગે ચર્ચાઓ કરાશે. ત્યાર બાદ ચૂંટણી સમિતિ દ્વારા નામો ફાઈનલ કરાશે અને તેની જાહેરાત કરાશે.
