વડોદરાના સાવલીમાં નગરપાલિકાની ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ તેજ બન્યો છે. આ દરમિયાન સાવલીના દબંગ ધારાસભ્ય કેતન ઇનામદારે એક ચૂંટણી સભામાં પોતાના જ પક્ષના ઉમેદવારોને જાહેરમાં કડક ચેતવણી આપીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ઇનામદારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જીત્યા પછી જો જનતાના કામ નહીં થાય, તો તેઓ પોતે ઉમેદવારનું રાજીનામું લઈ લેશે.


કામ નહીં કરનારાના 'કાન પકડાશે'

સાવલી નગરપાલિકાની ચૂંટણી સભામાં સંબોધન કરતા કેતન ઇનામદારે ઉમેદવારોને સાવધ કર્યા હતા. તેમણે કહ્યું કે, "ચૂંટણી જીતવી એ માત્ર શરૂઆત છે, પણ જો જીત્યા પછી તમે લોકોના કામ નહીં કરો તો હું તમારો કાન પકડીશ. જનતાની સેવા નહીં કરનારા લોકો પાસે હું જાતે જ રાજીનામું મંગાવી લઈશ."

ગરીબો માટે મકાનની વ્યવસ્થાની ખાતરી

ધારાસભ્યએ જનતાનો વિશ્વાસ જીતતા વધુમાં જણાવ્યું હતું કે, વિસ્તારમાં જેટલા પણ લોકો કાચા મકાનોમાં રહે છે, તેમને સરકારી યોજનાઓ હેઠળ પાકા મકાનો અપાવવા એ અમારી પ્રાથમિકતા રહેશે. જો કોઈ તાંત્રિક કારણોસર સરકારી લાભ નહીં મળે, તો પોતે સ્વખર્ચે મકાન બનાવી આપવાની પણ તેમણે ખાતરી ઉચ્ચારી હતી. આ જાહેરાતને સ્થાનિકોએ હર્ષભેર વધાવી લીધી હતી.

બિનહરીફ સીટો અંગે મોટું નિવેદન

ચૂંટણીમાં ઘણી બેઠકો બિનહરીફ થતી હોય છે, તે બાબતે કેતન ઇનામદારે ચોંકાવનારો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, "હું ઈચ્છું તો 24માંથી ઘણી સીટો બિનહરીફ કરી શકતો હતો. આપણે એક સીટ બિનહરીફ કરી એ પણ મારા મતે ખોટું કર્યું છે. લોકશાહીમાં હરિફાઈ અને સ્પર્ધા જરૂરી છે, તો જ સાચા સેવકની પસંદગી થાય છે.

આ પણ વાંચો: Local Body Elections 2026: હું ધારાસભ્ય છું, બેસી જા! – સવાલ પૂછનારા મતદાર પર ભડક્યા સંખેડાના MLA

  • Follow us on: