વિસાવદરમાં થયેલા અનાજ કૌંભાડ મામલે આપના નેતા ગોપાલ ઇટાલિયાએ કરેલા આરોપ બાદ થયેલી તપાસમાં ભાજપે ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે અનાજ કૌભાંડનો આરોપી AAP નેતા છે. ભાજપે કહ્યું હતું કે અનાજ માફિયા રઝાક જુસા પરમાર AAPનો નેતા છે.
રઝાકના ઘરેથી અનાજનો જથ્થો મળ્યો
ઉલ્લેખનિય છે કે વિસાવદરના અનાજ કૌભાંડ મામલે ઇટાલિયાએ આરોપો લગાવ્યા હતા અને આ આક્ષેપ બાદ પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી હતી. તપાસમાં રઝાકના ઘરેથી અનાજનો જથ્થો મળ્યો હતો.
ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેનો આરોપ
ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ હવે આરોપ લગાવ્યો છે કે ગોપાલ ઇટાલિયા ચોરને છાવરવા માટે વિરોધ કરી રહ્યા હતા. આપના નેતા રઝાક પાસેથી 3.40 લાખની કિંમતનો અનાજનો જથ્થો પકડાયો છે. તેમણે કહ્યું કે પહેલા તમારા પક્ષના નેતાને તો પકડો.
આજે પુરવઠા વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે
મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવતા તો લગાવી દીધો પણ તેમણે તો આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. ઇટાલિયાના આરોપ બાદ પુરવઠા વિભાગે હરકતમાં આવીને તપાસ કરી તો તપાસ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા રઝાકના ઘરે થી જ અનાજનો જથ્થો મળી આવ્યો હતો અને આ મામલે આજે પુરવઠા વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે
રઝાક જુસા ભાઈ પરમાર અમરેલીના આમ આદમી પાર્ટીના સહ મંત્રી
યગ્નેશ દવેએ આરોપ લગાવ્યો કે રઝાક જુસા ભાઈ પરમાર અમરેલીના આમ આદમી પાર્ટીના સહ મંત્રી છે અને પોતાની પાર્ટીના ચોર ને છાવરવા માટે કે બચાવવા માટે વિરોધ કરવામાં આવતો હતો. પહેલા તમારા પક્ષના નેતાઓ ને પકડો પછી બીજા પર આરોપ લગાવો. તેમણે કહ્યું કે ઇન્ડી ગઠબંધન ની બેઠક થોડા સમય પહેલા થઈ જેમાં આપ અને કોંગ્રેસ સાથે હતું એટલે પહેલા તપાસ કરો અને બાદમાં બોલો ..સ્ક્રિપ્ટ આપવામાં આવતી હોય તેવું તે બોલતા હોય છે.
ગોપાલ ઇટાલિયા હવે ખુદ જ ભરાઇ ગયા
અનાજ કૌંભાડના આરોપ લગાવીને ગોપાલ ઇટાલિયા હવે ખુદ જ ભરાઇ ગયા છે કારણ કે આરોપી તેમની પાર્ટીનો અમરેલીનો સહમંત્રી છે. ભાજપે હવે ગોપાલ ઇટાલિયાને વળતો જવાબ આપ્યો છે અને સ્ક્રીપ્ટ આપવામાં આવતી હોય તેવું બોલતા હોવાનું જણાવ્યું છે.













