પોરબંદરના કુતિયાણા હાઈવે પર બાયપાસ નજીક જ બજારભાવ કરતા ડીઝલ 20 રૂ.લીટરે ઓછા ભાવે વેચાણ થઇ રહ્યું છે, જેથી વાહનોની લાઈન ડીઝલ પુરાવા માટે લાગે છે ત્યારે આ મામલે પુરવઠા વિભાગે તપાસ હાથધરી છે.
ખાનગી જગ્યા પર ચાલે છે ડીઝલ વેચાણ
કુતિયાણા બાયપાસ પાસે આવેલ એક હોટલ નજીક ઘણા દિવસથી ટ્રક સહીત ભારે વાહનોની લાઈન લાગી રહી છે, વાહન ચાલકો પાસેથી મળતી માહિતી મુજબ અહી બજાર ભાવ કરતા લીટરે ૨૦ રૂપિયા ઓછા ભાવ એટલે કે 71 રૂ. લીટરના ભાવે ડીઝલ વેચાણ કરવામાં આવી રહ્યું છે અને આ વેચાણ ઘણા દિવસથી ચાલી રહ્યું છે.
ડીઝલના નમૂના લેવામાં આવ્યા
ડેપ્યુટી કલેકટર ઓફિસની બાજુમાં આવેલ હોટલમાં મોટા ગોડાઉનમાં ખાનગીરાહે પેટ્રોલ પંપ બનાવી દેવામાં આવ્યો છે, સસ્તું ડીઝલ હોવાથી અહી વાહનોની લાઈન લાગે છે ત્યારે આ ચોરીનું ડીઝલ છે કે ભેળસેળ વાળું કે પછી બાયોડીઝલ છે તે અંગે અનેક ચર્ચાઓ જાગી છે ઘણા સમયથી વેચાણ થતું હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન થતા હોવાની ચર્ચા ચાલી રહી છે. તો પુરવઠા વિભાગના અધિકારીનું કહેવું છે કે, આ મામલે તપાસ ચાલી રહી છે અને ડીઝલના નમૂના પણ લેવામાં આવ્યા છે.









