પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કતપુરની રોડ ટચ જમીન મૂળ માલિકની પરવાનગી વિના ખોટા દસ્તાવેજો બનાવી તેને સાચા તરીકે ઉપયોગમાં લઈ બે દિવસ અગાઉ જમીન બારોબાર વેચાણ કરવાનો ઈરાદો રાખીને હિંમતનગરમાં સંહજાનંદ પાર્કમાં રહેતા એક શખ્સે વિશ્વાસઘાત, છેતરપીંડી અને ઠગાઈ કરી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ ગુરૂવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.


આ અંગે ગાંધીનગરના ભાટ ગામની સીમમાં આવેલ મધરડેરીની સામે રહેતા મુંજાલ દિલીપકુમાર જાનીએ નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, ગત તા.19 નવેમ્બરના રોજ હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર સહજાનંદ પાર્કમાં રહેતા રાકેશ મંગળભાઈ રાવળે કતપુરની સીમમાં આવેલ સર્વે 295 (ખાતા નં.359)માં અંદાજે 1,29,31 હે.આર.ચો.મી. તથા સર્વે નં.296 (ખાતા નં.485)માં અંદાજે 1,49,65 હે.આર.ચો.મી. જમીન જે નેશનલ હાઈવે ટચ પર આવેલ છે.

પરંતુ રાકેશભાઈ રાવળે આ જમીન બારોબાર વેચી દેવાના ઈરાદે મુંજાલ જાની તથા તેમના કુંટુંબના સભ્યોને બનાવટી આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ તૈયાર કરીને તેનો સાચા તરીકે ઉપયોગ કરી જમીન વેચવા માટે ખેડૂતોના સંપર્કમાં છે તેમ જણાવી માલિકીની આ જમીન મૂળ માલિકની જાણ બહાર બારોબાર વેચી દેવાની પેરવી કરી હતી. પરંતુ મૂળ માલિક મુંજાલ જાનીને ખબર પડી જતાં તેમણે તપાસ કર્યા બાદ રાકેશ રાવળ વિરૂધ્ધ ગુરૂવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


  • Follow us on: