સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં બે જૂથ વચ્ચે થયેલી ગંભીર અથડામણને કારણે તંગદિલીભર્યો માહોલ સર્જાયો છે. આ અથડામણમાં હિંસા અને તોડફોડની ઘટનાઓ સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી ફેલાઈ છે.પ્રાથમિક માહિતી અનુસાર, કોઈક અંગત કે જૂની અદાવતને લઈને મજરા ગામમાં બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા. પરિણામે વાત વણસતાં બંને જૂથ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. હિંસક બનેલા ટોળાએ પથ્થરમારા સાથે એકબીજા પર હુમલો કર્યો હતો.
પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે અથડામણ
આ અથડામણ દરમિયાન તોફાની તત્વોએ પાંચથી વધુ કારમાં આગચંપી કરી દીધી હતી, જેના કારણે કારો બળીને ખાખ થઈ ગઈ હતી. ઉપરાંત, અનેક વાહનોમાં વ્યાપક તોડફોડ પણ કરવામાં આવી હતી. આ હિંસક હુમલા અને પથ્થરમારામાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો મોટો કાફલો તાત્કાલિક મજરા ગામ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને બંને જૂથના લોકોને વિખેરીને મામલો શાંત પાડ્યો હતો.










