પહેલા ખાંડ, ત્યારબાદ ખાદ્યતેલ અને હવે શાકભાજી. રાજ્યભરમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં ભડકો જોવા મળતા ગૃહિણીઓના બજેટને મોટો ફટકો પહોંચ્યો છે. ખાસ કરીને લીંબુ કે જે દરેક રસોડાની જરૂરિયાત છે તેના ભાવ છુટક બજારમાં ઘણા વધી ગયા છે.
સંદેશ ન્યુઝ ડિજીટલની ટીમ દ્વારા અમદાવાદની બજારોમાં લીંબુના વધેલા ભાવ મુદ્દે તપાસ કરવામાં આવી. આ અંગે ગૃહિણીઓનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરતા તેમણે લીંબુંના ઓચિંતા વધેલા ભાવને પગલે મહિનાનું બજેટ ખોરવાયું હોવાનું જણાવ્યું હતું. કેટલીક ગૃહિણીઓએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે અગાઉ જે લીંબુ 40થી 50 રૂપિયે કિલોના ભાવમાં આખા અઠવાડિયા માટે સરળતાથી ખરીદાઇ જતા હતા એના બદલે હવે 100 ગ્રામ-250 ગ્રામ જેટલી ખરીદી કરીને ઘરે પાછા ફરવું પડે છે. અઢીસો ગ્રામ લીધેલા લીંબું માંડ 2થી 3 દિવસ ચાલે છે. પછી ફરીવાર બજારમાં લીંબુ લેવા નીકળવું પડે છે. હવે કિલો લીંબુ ખરીદવા હોય તો એકસાથે 200 રૂપિયા આપવા એ પોસાય તેમ નથી. લીંબુ ખરીદવા આવેલા વધુ એક વડીલે જણાવ્યું હતું કે એક તરફ ઘરની જરૂરિયાતો પુરી નથી થઇ રહી અને બીજી તરફ શાકભાજીના વેપારીઓની પણ ક્યાંક મનમાની જોવા મળી રહી છે. અમદાવાદમાં વિસ્તારો મુજબ મનફાવે તેમ વેપારીઓ ભાવ વસૂલે છે. જે લીંબુના શહેરના પોશ વિસ્તારમાં લોકોને 300થી 400 રૂપિયે કિલોના ભાવ આપીને લુંટવામાં આવે છે, એ જ લીંબું જો શહેરના પૂર્વ વિસ્તારો કે સામાન્ય વિસ્તારોમાં લેવા જાવ તો જૂના ભાવે જ મળી રહ્યા છે. એટલે લીંબુમાં થયેલા ભાવવધારા પાછળ શાકભાજી વિક્રેતાઓ મુખ્યત્વે જવાબદાર હોવાનું અમદાવાદના લોકોએ જણાવ્યું હતું., તો અમદાવાદના શાકભાજીના વેપારીઓએ પણ ભાવ વધારા પાછળ લીંબુ હલકી ગુણવત્તાના અને બગડેલા મળી રહ્યા હોવાનું કારણ જણાવ્યું હતું.
https://www.youtube.com/watch?v=037TQaZDBT4
તો બીજી તરફ રાજકોટના શાકભાજી બજારમાં લીંબુનો ભાવ કિલોદીઠ ₹400ને પાર પહોંચી ગયો છે. માત્ર છેલ્લા એક સપ્તાહમાં જ લીંબુના ભાવમાં ₹50નો વધારો થયો હોવાનું સામે આવ્યું છે.
આશરે દોઢ મહિના પહેલાં રાજકોટમાં એક કિલો લીંબુ ₹80ના ભાવે વેચાતા હતા. જોકે, છેલ્લા 15 દિવસથી લીંબુની માંગમાં વધારો અને બજારમાં આવક ઓછી થતાં ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.
લીંબુના ભાવ કેમ વધ્યા?
વેપારીઓના જણાવ્યા મુજબ, બજારમાં લીંબુની આવક ઓછી થઈ છે અને તેની સામે માંગમાં વધારો થયો છે. માલની અછતને કારણે ભાવ સતત વધી રહ્યા છે. જેના કારણે હાલમાં લીંબુ ખરીદવા માટે ગ્રાહકોએ અગાઉની સરખામણીએ ઘણી વધારે કિંમત ચૂકવવી પડી રહી છે.
ચોમાસામાં સામાન્ય રીતે લીંબુના ભાવમાં ઘટાડો જોવા મળે છે, પરંતુ આ વખતે ચોમાસા બાદ ભાવમાં ઘટાડો થવાને બદલે અચાનક વધારો થયો છે.
દોઢ મહિનામાં ₹80થી ₹400ને પાર
રાજકોટના બજારમાં દોઢ મહિના પહેલાં એક કિલો લીંબુનો ભાવ આશરે ₹80 હતો. હવે આ જ લીંબુનો ભાવ ₹400ને પાર પહોંચી ગયો છે. એટલે કે ટૂંકા સમયગાળામાં લીંબુના ભાવમાં અનેક ગણો વધારો થયો છે.
લીંબુના ઊંચા ભાવના કારણે ગ્રાહકોના બજેટ પર પણ અસર પડી રહી છે. રોજિંદા ખોરાકમાં ઉપયોગમાં લેવાતી વસ્તુ મોંઘી થતાં ગ્રાહકોને વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે.
દિવાળી સુધી ભાવમાં ઘટાડાની શક્યતા ઓછી
હાલની સ્થિતિ જોતા દિવાળી સુધી લીંબુના ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા ઓછી હોવાનું વેપારીઓનું માનવું છે. જોકે, બજારમાં લીંબુનો નવો ફાલ આવવા લાગે અને આવક વધે તો ભાવમાં ઘટાડો થઈ શકે છે.
ગુજરાતમાં દર વર્ષે અંદાજે 6 લાખ ટન લીંબુનું ઉત્પાદન થતું હોવાનું જણાવાય છે. નવા ફાલની આવક વધ્યા બાદ બજારમાં લીંબુની ઉપલબ્ધતા વધશે અને તેની અસર ભાવ પર જોવા મળી શકે છે.
હાલ તો રાજકોટ સહિતના બજારોમાં લીંબુના ઊંચા ભાવને કારણે ગ્રાહકોના દાંત ખાટા થઈ રહ્યા છે.