રાજકોટ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરતો બનાવ સામે આવ્યો છે. શહેરના બાળ સંરક્ષણ ગૃહમાંથી એકસાથે 11 બાળકો ગાયબ થઈ જતાં ભારે ચકચાર મચી ગઈ છે.મોડી રાત્રે આ બાળકો બાળગૃહમાંથી નાસી છૂટ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે હડકંપ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે તપાસમાં એક બાળકને શોધી કાઢ્યો છે.
પોલીસે સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું
સમગ્ર ઘટનાને લઈને રાજકોટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસના આદેશો આપ્યા હતા.બાળ સંરક્ષણ ગૃહ જેવી સંવેદનશીલ જગ્યાએથી આટલી મોટી સંખ્યામાં બાળકો ગુમ થતાં સંસ્થાની સુરક્ષા વ્યવસ્થા અને કર્મચારીઓની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.બાળકોને ઝડપથી શોધી કાઢવા માટે પોલીસે શહેરભરમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ બાળકો અલગ અલગ ગ્રુપમાં ભાગ્યા હોવાનું અનુમાન છે. 6 બાળકોએ ભાગી જવાનો પ્લાન કર્યો હતો.













