રાજકોટ જિલ્લાના ધોરાજી-જેતપુર રોડ પર હીરપરા વાડીના ખૂણે આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમા બે મોટરકાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કુલ 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 5 મહિલાઓ, 5 પુરુષ અને 2 નાના બાળકોનો હતા. આ અકસ્માત એટલો ભયાવહ હતો કે બંને કારને મોટું નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ તરત જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.


સરકારી હોસ્પિટલમાં અવ્યવસ્થાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો

ઈજાગ્રસ્તોને સ્થાન્કો દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે મળતી માહિતી મુજબ ધોરાજી સરકારી હોસ્પિટલમાં વ્યવસ્થાના નામે શૂન્ય હોવાથી ઘાયલોના પરિવારજનોને ભારે હાલાકી વેઠવી પડી હતી.

ગંભીર ઈજાગ્રસ્ત દર્દીઓને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા

આ અકસ્માતમાં વધુ ગંભીર ઈજાઓ પહોંચી હોય તેવા કેટલાક દર્દીઓને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ ઘટના અંગે ધોરાજી પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલનનું મહત્વ આ ઘટનાએ ફરી એકવાર ઉજાગર કર્યું છે.

  • Follow us on: