રાજકોટ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દહેશત ફેલાવતી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત વિસ્તાર ગણાતા 150 ફૂટ રિંગરોડ પર આવેલી એક સોસાયટીના પાર્કિંગમાં અચાનક ભીષણ આગ લાગવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં એક કારમાંથી ફેલાઈને વારાફરતી પાંચ કાર તેની ચપેટમાં આવી ગઈ હતી અને તમામ વાહનો બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા હતા. સદનસીબે આ ગંભીર દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થયાના સમાચાર નથી, જેના કારણે તંત્ર અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

માધવ પાર્કના કોમન પાર્કિંગમાં બની ઘટના

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર પુનિતનગર પાછળ આવેલા માધવ પાર્ક સોસાયટીના કોમન પાર્કિંગ પ્લોટમાં આ આગ લાગી હતી. રાત્રિના કે અચાનક બનેલી આ ઘટનામાં કોઈ અગમ્ય કારણોસર પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ સળગી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તેની આસપાસ પાર્ક કરેલી અન્ય ગાડીઓને પણ પોતાની લપેટમાં લઈ લીધી હતી. એક પછી એક એમ વારાફરતી કુલ ૫ કાર આગની ચપેટમાં આવી ગઈ હતી અને ભારે નુકસાન થયું હતું.

ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબૂ

પાર્કિંગમાં પાંચ ગાડીઓ આગમાં ભસ્મીભૂત થઈ રહી હોવાના દ્રશ્યો જોઈને સોસાયટીના રહીશોમાં ભારે નાસભાગ અને ફફડાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક લાંબા કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનો દ્વારા ભારે જહેમત અને પાણીનો મારો ચલાવીને આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે, આગ એટલી તીવ્ર હતી કે પાંચેય કાર બળીને માત્ર લોખંડના માળખામાં ફેરવાઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ કે અન્ય અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો