રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગરપાલિકા તંત્રની અજબ-ગજબ કામગીરી સામે આવી છે. ઉપલેટાના કોલકી રોડ પર આવેલા મુખ્ય પ્રવેશદ્વાર (ગેટ) પર નગરપાલિકા તંત્ર દ્વારા મોડી રાત્રે અચાનક 'બાબાનું બુલડોઝર' ફેરવી દેવામાં આવ્યું હતું. પાલિકાની ટીમે જેસીબી અને બુલડોઝરની મદદથી આ ગેટનું ડીમોલેશન હાથ ધરીને તેને સંપૂર્ણપણે તોડી પાડ્યો હતો. અંધારાના પટમાં હાથ ધરાયેલી આ કામગીરીને લઈને સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે આશ્ચર્ય સાથે ચર્ચા જાગી છે.

બનેલો ગેટ તોડી નવા ગેટ માટે ઠરાવ

આ ગેટ જ્યારે બનાવવામાં આવ્યો હતો ત્યારે નગરપાલિકા દ્વારા પ્રજાના ટેક્સના લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. હવે એ જ ગેટને તોડી પાડીને અન્ય જગ્યાએ નવો ગેટ બનાવવા માટે ઉપલેટા નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરાયો હોવાની વિગતો સામે આવી છે. લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા ગેટને આ રીતે તોડી પાડતાં નગરપાલિકાની આયોજન વગરની કામગીરી અને બુદ્ધિના પ્રદર્શન સામે શહેરીજનોમાં ભારે વિરોધ અને સવાલો ઉભા થયા છે.

તંત્રની નીતિ સામે પ્રજામાં વ્યાપક રોષ

જ્યારે આ ગેટનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે શું તંત્રને ભવિષ્યના આયોજન કે ટ્રાફિકની સ્થિતિ અંગે ભાન નહોતું? તેવો વેધક પ્રશ્ન સ્થાનિક લોકો પૂછી રહ્યા છે. પ્રજાના પરસેવાના નાણાંનો આ રીતે ગેરઉપયોગ કરીને પહેલા લાખોનો ખર્ચ કરવો અને બાદમાં તેને તોડીને ફરી નવો ગેટ બનાવવાનો નિર્ણય તંત્રની લાલિયાવાડી છતી કરે છે. નગરપાલિકાના આ અણધડ વહીવટ સામે ઉપલેટાના સ્થાનિકોમાં તીવ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો